રાકેશકુમાર યાદવ દ્વારા.
ગુજરાત ના બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડની ઘટના હજી તાજી છે. રાજ્યભરમાં પોલીસે છબી સુધારવા દારૂબંધીનું કડકપણે પાલન કરાવી રહી છે. ત્યાં અમદાવાદમાં ફરીવાર દારૂના વેપલાનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાં કૃષ્ણનગર પોલીસે દારૂની 658 બોટલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો છે.2 લાખ કરતા વધુની કિંમતના દારૂનું કટિંગ કરતા બુટલેગરની પોલીસે ધરપકડ કરી છે.
પોલીસે બાતમીને આધારે બુટલેગરને ઝડપ્યો
પોલીસને બાતમીના આધારે કૃષ્ણનગરના ગુજરાત હાઉસિંગમાં બે બ્લોકની વચ્ચેની ગલીમાંથી અશોક ઉર્ફે બટાકો લાલવાણી પાસેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં અલગ અલગ બ્રાન્ડની કુલ 658 બોટલ મળી આવી હતી.પોલીસે 2 લાખ 7 હજાર 500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને આરોપીની ધરપકડ કરી હતી.આ દારૂ ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
બુટલેગરો દારૂની ડિલિવરીનું નેટવર્ક ગોઠવી રહ્યા હતા
અમદાવામાં છેલ્લા ઘણા સમયથી બુટલેગરો દારૂની ડિલિવરીનું નેટવર્ક ગોઠવી રહ્યા હતા.જેમાં સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા કડક કાર્યવાહી થતા બુટલેગર અવનવા કિમીયા અપનવી રહ્યા છે.તાજેતરમાં નાગદાન ગઢવીની ધરપકડ થયા બાદ નાના બુટલેગર સક્રિય થયા છે જેઓ દારૂની ડિલિવરી બ્રેક ન થાય તે માટે નાના માણસોને કામ કરવી રહ્યા છે.