* અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે મેટ્રિકોત્તર શિષ્યવૃત્તિ યોજના માટે 69,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા.
*કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી શ્રી રામદાસ આઠવલેએ આજે અમદાવાદમાં એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે એનડીએ સરકારે આગામી પાંચ વર્ષમાં ચાર કરોડ ઉપરાંત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે મેટ્રિકોત્તર શિષ્યવૃત્તિ યોજના માટે 69,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે મેટ્રિકોતર શિષ્યવૃત્તિ હેઠળ આગામી પાંચ વર્ષમાં ઉચ્ચ શિક્ષણ તથા કૌશલ તાલીમ માટે 1 કરોડ 30 લાખ ગરીબમાં ગરીબ વિદ્યાર્થીઓનું નામાંકન કરવામાં આવશે. આઠવલે એ પોતાના મંત્રાલયની કામગીરી વિશે વધુ માહિતી આપતા જણાવ્યું કે 35,000 કરોડ રૂપિયા ઉપરાંતનો લાભ શિષ્યવૃત્તિ પેટે લાભાર્થીઓને સીધો આપવાની મોદી સરકારની યોજના છે.
એમણે જણાવ્યું કે હવે ચૂકવણીમાં કોઈ વિલંબ થશે નહીં અને નિર્ધારિત કાર્યક્રમ અનુસાર જ વિદ્યાર્થીઓના બેંક ખાતાઓમાં નાણાં સીધા હસ્તાંતરિત કરાશે. આ કાર્યક્રમ હેઠળ આગામી પાંચ વર્ષમાં 4 કરોડ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આવરી લેવાનો લક્ષ્યાંક છે. શ્રી આઠવલેએ કહ્યું કે દસકાઓથી તરછોડાયેલા અનુસુચિત જાતિના લોકોની તકોથી વંચિત રહેવાની સ્થિતિનો હવે અંત આવ્યો છે અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે મેટ્રિકોતર શિષ્યવૃત્તિ મામલે કેન્દ્રની ભાગીદારીમાં પાંચ ગણો વધારો થયો હોવાની વાત પણ રામદાસ આઠવલેએ જણાવી હતી. વાર્ષિક રૂપિયા 8 લાખથી ઓછી જે કુટુંબની આવક છે એવા અનુસૂચિત જાતિના 100 વિદ્યાર્થીઓને દર વર્ષે ઓવરસીઝ સ્કોલરશીપ આપવાની પણ એમના મંત્રાલયની યોજના હોવાનું શ્રી આઠવલે જણાવ્યું હતું.
ગુજરાતના 32 લાખ સહિત દેશના 2 કરોડ 67 લાખ જેટલા દિવ્યાંગજનો માટે સુગમ્ય ભારત હેઠળ અનેક કાર્યક્રમો ચાલી રહ્યા હોવાનું શ્રી આઠવલેએ જણાવ્યું હતું. એ જ પ્રમાણે એમના મંત્રાલય દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં મુદ્રા યોજના હેઠળ 13.98 લાખ કરોડ રૂપિયા, ઉજ્જવલા યોજના હેઠળ 8 કરોડ 16 લાખ ગેસ જોડાણ, આવાસ યોજના હેઠળ 1 કરોડ 83 લાખ આવાસો જ્યારે ઉજાલા યોજના હેઠળ 36 કરોડ 68 લાખ એલઇડી બલ્બ ફાળવવામાં આવ્યા હતાં. એમણે કહ્યું કે મંત્રાલયના 85,000 કરોડ રૂપિયાના બજેટમાંથી 9.5 હજાર કરોડ દિવ્યાંગ જનો માટે ફાળવવામાં આવ્યા છે વંચિતોને ફાયદો થાય એ માટે કેન્દ્ર સરકાર કામ કરી રહી હોવાનું પણ આઠવલેએ જણાવ્યું હતું.