અમદાવાદ: અમદાવાદ શહેરમાં લૂંટ, મારામારી, પોલીસ પર હુમલા અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. ઠકકરનગરમાં ફાયરિંગ(ગાયત્રી ટેડ્સ) કરી લૂંટ ચલાવનાર લૂંટારાઓ બેખૌફ ફરી રહ્યા છે. પોલીસ હજુ કોઈ સગડ મેળવે ત્યાં તો આરોપીઓએ નિકોલના ઉમિયા ચાર રસ્તા પાસે હિરલ જ્વેલર્સમાં આજે સાંજે રિવોલ્વર સાથે ઘુસી આવેલા ચાર શખ્સે સોનીને ગંભીર ઇજા કરી રૂ.2.60 લાખની રોકડ ઉપરાંત લાખોની મતાના દાગીનાની લૂંટ ચલાવી હતી. આરોપીઓએ હવામાં ફાયરિંગ પણ કર્યા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પ્રજાની સુરક્ષા બાબતે વિચારવિમર્શ કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
નિકોલ ઉમીયા ચાર રસ્તા પાસે હિરલ જ્વેલર્સના નામે પ્રકાશભાઈ મોદી સોના ચાંદીનો વેપાર કરે છે. આજે સાંજે 6.45 વાગ્યે પ્રકાશભાઈ દુકાનમાં હાજર હતા. તે સમયે શો રૂમમાં ઘુસી આવેલા બુકાનીધારી 4 શખ્સે પ્રકાશભાઈને માથામાં પાણીનો જગ તેમજ રિવોલ્વરનું હેન્ડલ મારી લોહીલુહાણ કરી નાંખ્યા હતા. લૂંટારુઓએ રિવોલ્વર બતાવી પ્રકાશભાઈને ચુપચાપ બેસી રહેવા સૂચના આપી હતી.આરોપીઓએ ગણતરીની સેકન્ડ કાઉન્ટરમાંથી રૂ.2.60 લાખની રોકડ અને સોનાના દાગીના લૂંટી લીધા હતા.
લૂંટ ચલાવ્યા બાદ આરોપીઓએ શો રૂમમાંથી બહાર નિકળતી વખતે હવામાં ધડાધડ ફાયરિંગ કરી ડરનો માહોલ સર્જ્યો હતો. નિકોલ પોલીસ અને ક્રાઈમબ્રાન્ચની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે આ અંગે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત પ્રકાશભાઈને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા.