ગુજરાતના ગૃહવિભાગે આઈજીપીના તાબામાં રહેલા આર આર સેલનું વિસર્જન કરવાનો નિર્ણય લઈ લીધો છે. જોકે હજુ સુધી આર આર સેલનું આઈજીપી દ્વારા વિસર્જન થયું નથી. આ દરમિયાન ડીસીપી અને જોઈન્ટ સીપીના તાબામાં રહેલા સ્કવોડનું વિસર્જન કરવાની સરકારની વિચારણા હેઠળ છે પરંતુ તે પહેલા અમદાવાદના સેક્ટર ટુ જોઈન્ટ પોલીસ કમિશનર ગૌતમ પરમારે પોતાના સ્કવોડનું વિસર્જન કરી નાખ્યું છે.
આર આર સેલ અને ડીસીપી તથા જેસીપીના તાબામાં રહેલા સ્કવોડ સ્થાનીક પોલીસ માટે અસરકારક સાબિત થાય અને સ્થાનીક પોલીસને કામનું ભારણ ઘટે તેવો ઈરાદો હતો. પરંતુ ગૃહ વિભાગના ધ્યાનમાં આવ્યું કે, આઈજીપીના તાબામાં રહેલો આર આર સેલ અસરકારક રહેવાને બદલે વિવાદ ઊભા થાય તે પ્રકારની કામગીરી કરી રહ્યો છે. જેના પગલે આર આર સેલનું વિસર્જન કરવાનો નિર્ણય લેવાયો હતો.
આ જ રીતે મહાનગરોમાં ડીસીપી અને જેસીપીના તાબામાં રહેલા સ્કવોડ પણ વિસર્જીત કરવાનું ગૃહવિભાગ વિચારી રહ્યું છે. જોકે ગૃહવિભાગ આ દીશામાં કોઈ નિર્ણય કરે તે પહેલા જ જેસીપી ગૌતમ પરમારે પોતાના સ્કવોડનું વિસર્જન કરી નાખ્યું છે. આ અંગે ગૌતમ પરમારને પુછતાં તેમણે જણાવ્યું કે, સરકારની વિચારણા અંગે તેમને કોઈ માહિતી નથી, પરંતુ તેમનો સ્કવોડ અસરકારક કામગીરી કરતો ન્હોતો જેના કારણે તેમના સ્કવોડમાં રહેલા તમામ જવાનોને તેમના મૂળ પોલીસ સ્ટેશનમાં પરત મોકલી તેમણે સ્કવોડનું વિસર્જન કરી નાખ્યું છે.
ડીસીપી અને જેસીપી સ્કવોડની કામગીરી તેમના તાબાના વિસ્તારમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર નજર રાખવાનું, ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમને રોકવાનું અને વોન્ટેડ આરોપીઓને શોધવાનું હતું, પરંતુ આ સ્કવોડ દેખાડા પુરતી આવી કામગીરી કરતો હતો. એક તરફ પોલીસની ઘટ્ટ છે બીજી તરફ સ્કવોડમાં કોઈ પણ કામગીરી વગર સ્ટાફ રોકાયેલો રહેતો હતો. ગૃહવિભાગની વિચારણા હેઠળ છે તે અનુસાર હવે દરેક ડીસીપી પોતાના તાબાના વિસ્તારોમાં એક લોકલ ક્રાઈમ બ્રાન્ચનું નિર્માણ કરી શકે છે. જ્યારે સ્થાનિક પોલીસ ક્રાઈમ ડિટેક્શનમાં નિષ્ફળ જાય તેવા સંજોગોમાં ડીસીપીના તાબાની લોકલ ક્રાઈમ બ્રાન્ચે ડીસીપીની સૂચના પ્રમાણે અનડિટેક્ટેડ ક્રાઈમને ડિટેક્ટ કરવાની જવાબદારી રહેશે. જોકે આ અંગે હજુ કોઈ આખરી નિર્ણય લેવાયો નથી. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ હોવાને કારણે સંભવતઃ ચૂંટણી પછી જ આ દીશામાં ગૃહવિભાગ કોઈ આદેશ કરશે.