અમદાવાદના  ઝોન 4 મેઘાણીનગર પોલીસ સ્ટેશન ની હદ માં નાસ્તો કરવા બાબતે થયેલી બોલાચાલીમાં મિત્રએ જ બીજા મિત્રને છરીના ઘા મારી રહેંસી નાખ્યો.

અમદાવાદના ઝોન 4 મેઘાણીનગર પોલીસ સ્ટેશન ની હદ માં નાસ્તો કરવા બાબતે થયેલી બોલાચાલીમાં મિત્રએ જ બીજા મિત્રને છરીના ઘા મારી રહેંસી નાખ્યો.

Share with:


અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા મેઘાણીનગર વિસ્તારમાં ગુનાખોરી ડામવામાં પોલીસ નિષ્ફળ રહી છે. 31 ડિસેમ્બરના રોજ રૂ. 1.77 કરોડના સોનાના પાર્સલની લૂંટની ઘટનાના 24 કલાક બાદ ભાર્ગવ રોડ પરની ડિફેન્સ કોલોનીમાં જાહેરમાં જ મિત્રએ મિત્રની છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી. નાસ્તો કરવા બાબતે બે મિત્રો વચ્ચે થયેલી બોલાચાલીમાં મૃતકે આરોપી મિત્રને લાફા માર્યા હતા, જેની અદાવતમાં આરોપીએ મૃતકને સાંજે પોતાની પાસે બોલાવી છરીના ઉપરાછાપરી ઘા મારી રહેંસી નાખ્યો હતો. મેઘાણીનગર પોલીસે હત્યાના બનાવ અંગે બે યુવક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વોન્ટેડ આરોપી

મિત્રો ભેગા થઈને ડિફેન્સ કોલોની પાસે આવેલા ખુલ્લા મેદાનમાં નાસ્તો કરતા હતા.
મેઘાણીનગર ભાર્ગવ રોડ પર ડિફેન્સ કોલોનીમાં ઘનશ્યામ ઉર્ફે બાબા જગમોહન રાજપૂત (ઉં.વ,24) રહેતો હતો. શુક્રવારે બપોરે ઘનશ્યામ ઉર્ફે બાબા રાજપૂત, રિંકુ ઉર્ફે ટમાટર અને અન્ય મિત્રો ડિફેન્સ કોલોની પાસે આવેલા ખુલ્લા મેદાનમાં નાસ્તો કરતા હતા. એ સમયે બોલાચાલી થતાં ઘનશ્યામે મિત્ર રિંકુ ઉર્ફે ટમાટરને બે-ત્રણ લાફા મારી દીધા હતા. સાંજે ઘનશ્યામ ઉર્ફે બાબા ડિફેન્સ કોલોની ગાયત્રી મંદિર પાસે તેના મિત્રો દેવેન્દ્રકુમાર રાજપૂત, ધીરજ ઠાકુર, રામનરેશ તોમર અને દિલીપ યાદવ સાથે ઊભો હતો.

“ઘનશ્યામને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો”
દરમિયાન ઘનશ્યામે બપોરે રિંકુ સાથે બનેલી તકરારની ઘટનાની વાત કરી હતી. એ સમયે 100 મીટર દૂર ઊભા રહેલા રિંકુએ ઘનશ્યામને બૂમ મારીને પોતાની પાસે બોલાવ્યો હતો. ઘનશ્યામ અને રિંકુ બન્ને વાતચીત કરતા હતા. એ સમયે રિંકુના કાકાનો દીકરો ચેતન બિરન રહેદાસ પહોંચ્યો હતો. ચેતને ઘનશ્યામના બે હાથ પાછળથી પકડી લીધા અને અચાનક રિંકુ ઉર્ફે ટમાટરે તેની પાસેનું ચાકુ કાઢી ઘનશ્યામને ઉપરાછાપરી ચાર ઘા મારી દીધા હતા. ઘનશ્યામ જમીન પર ફસડાઇ પડ્યો હતો, જ્યારે હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘનશ્યામને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. સારવાર દરમિયાન ઘનશ્યામનું મોત થયું હતું. આ બનાવને પગલે મેઘાણીનગર પોલીસે મૃતક ઘનશ્યામ ઉર્ફે બાબાના મિત્ર દેવેન્દ્રકુમારની ફરિયાદ આધારે આરોપી રિંકુ ઉર્ફ્ ટમાટર ભગવાનદાસ રહેદાસ અને તેના પિતરાઈ ભાઈ ચેતન બિરન રહેદાસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share with:


News