ગુજરાતીઓ માટે સૌથી મોટો તહેવાર ઉત્તરાયણ નજીકમાં છે ત્યારે ગુજરાત સરકારે ઉત્તરાયણમાં પતંગ ચગાવવા માટે ધાબે એકઠા થવા મુદ્દે મોટો નિર્ણય લીધો છે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે કે, ઉત્તરાયણના તહેવારોમાં લોકો ધાબે મોટી સંખ્યામાં ભેગા ના થાય એ માટે ગુજરાત સરકાર માર્ગદર્શિકા જારી કરશે. તેમણે સ્પષ્ટતા કરી કે, ગુજરાત સરકાર કોઇપણ સંજોગોમાં એક ધાબા પર 50 લોકો ભેગા થાય એને મંજૂરી નહિ આપે. એક જ પરિવારના અને એક રસોડે જમતાં હોય એવાં લોકો ધાબે જઈ શકશે પણ બહારનાં લોકો ધાબા પર આવીને ભીડે કરે તેને કોઈ સંજોગોમાં મંજૂરી નહીં અપાય. આ વર્ષે ગુજરાતમાં સોસાયટી કે અપાર્ટમેન્ટની અગાશીમાં સાથે મળીને ઉત્તરાયણની ઉજવણી નહિ કરી શકાય. એક જ પરિવારના લોકોને પતંગ ઉડાવવાની છૂટ આપવાની વિચારણા ચાલી રહી છે
તેવું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું છે. નીતિન પટેલે જણાવ્યું છે કે, કોર કમિટીની બેઠક બાદ સરકાર ઉત્તરાયણના તહેવારની ગાઈડલાઈન અંગે જાહેરાત કરી શકે છે. ત્યારે આ પહેલા ઉત્તરાયણના તહેવાર મામલે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર કોઈ અધિકૃત કાર્યક્રમ કરવાનો નથી. પરંતુ ઉત્તરાયણમાં કેટલા એકઠા થાય છે, એક જ અગાશીમાં કેટલા લોકો ભેગા થઈ શકે આ અંગેનો નિર્ણય અમારી કોર કમિટીમાં લેવાશે. તે અંગે ટૂંક સમયમાં ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે. બહુ લોકો ભેગા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. અગાશી પર એક જ પરિવારના લોકો ભેગા થાય, તેઓ પોતાના પરિવારના લોકો સાથે પતંગ ઉડાડે તો વાંધો નહિ આવે. જોકે એક ધાબા પર 50 લોકો કે વધુ લોકો ભેગા થવાને મંજૂરી નહિ આપવામાં આવે.