અમદાવાદના ઝોન-4 મેઘાણીનગર વિસ્તારમાં બે દિવસ પહેલા થયેલી 1.78 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો છે. મેઘાણીનગર પોલીસે કુરિયર કંપનીના જ એક કર્મચારી સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી છે.
૩૦મી ડિસેમ્બરે રાતના ત્રણ વાગ્યાના સમયે પવન કુરિયર નામની કંપનીના બે કર્મચારીઓ સોના-ચાંદીના પાર્સલ લઈને જઈ રહ્યા હતા. તે સમયે એર કાર્ગો પાસે બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ કુરિયર કંપનીના કર્મચારીઓને માર મારી દાગીના ભરેલી બેગ લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ અંગે મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
પાંચ આરોપીઓએ ટૂંક સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચે આ લૂંટને અંજામ આપ્યો હતો. આ લૂંટમાં કુરિયર કંપનીમાં જ કામ કરતા શક્તિ નામના શખ્સે પોતાના બે પિતરાઈ ભાઈઓ તેમજ ગાંધીનગરમાં ફાઇનાન્સનું કામ કરતા બે મિત્રોની મદદથી દાગીનાઓનું કુરિયરનું પાર્સલ ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો.
મોડી રાત્રે લૂંટ કર્યા બાદ આ લોકો અલ્ટો કારમાં ફરાર થયા હતા. પોલીસે તમામ આરોપીઓને ઝડપી લૂંટનો 1.78 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે.