શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદે બાંધકામો થયેલાં છે અને હજી થઈ રહ્યાં છે, જેમાં કોર્પોરેશનના અધિકારીઓ જ નહીં, પરંતુ કોર્પોરેટર પણ તોડપાણી કરતા જ હોય છે. નાનું બાંધકામ થાય તોપણ ફોટો પાડી અને એને રોકવાની ધમકી આપી કોર્પોરેટર પૈસા પડાવી લે છે. અમદાવાદના વિરાટનગરનાં પૂર્વ કોર્પોરેટર ગીતાબેન પટેલના પતિ કીર્તિભાઈ પટેલનો ગેરકાયદે બાંધકામ માટે રૂ. 20 હજારની લાંચ માગતો ઓડિયો વાઇરલ થયો છે.
વાઇરલ ઓડિયોમાં ગેરકાયદે બાંધકામ માટે બધા વહીવટ કરે છે એવું કહે છે. એક તરફ, રાજ્ય સરકાર ભ્રષ્ટાચારમુક્ત ગુજરાતની વાત કરે છે, પરંતુ ખુદ કોર્પોરેટરના પતિ આવી લાંચ માગે છે, ત્યારે ACB આવા લોકો સામે કાર્યવાહી કરે એ જરૂરી છે. આ બાબતે ” ગીતાબેન પટેલે એક ખાનગી ન્યૂઝ પેપર ની સાથેની વાતચીતમાં કહ્યું હતું કે પૈસા તો બધા લે”જ છે, અમને તો લોકો સામેથી ઓફિસે આવીને પૈસા આપી જાય છે અને કહે છે અરજી કરતા નહિ. પૂર્વમાં તો અનેક લોકો પૈસા લે છે અને ધંધા ચાલે જ છે. કરોડોની મિલકત લોકો વસાવી લે છે. બાંધકામમાં બધા પૈસા લે છે.
ગીતાબેન પટેલના માણસો જઈ બાંધકામના ફોટા પાડીને જે-તે વ્યક્તિને ગીતાબેનનું વિઝિટિંગ કાર્ડ આપી દે છે.
જો બાંધકામ તોડાવવું ના હોય તો અમારો વહીવટ કરવો પડશે: પૂર્વ કોર્પોરેટરના પતિ
શહેરમાં ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટી નીકળ્યો છે. આવાં બાંધકામ કરનારા લોકો પાસેથી મોટે પાયે તોડપાણી કરવામાં આવે છે, જેની વચ્ચે ઓઢવ, વિરાટનગર, બાપુનગર અને નિકોલના વિસ્તારોમાં જ્યાં ગેરકાયદે કામ ચાલતાં હોય ત્યાં વિરાટનગરનાં પૂર્વ મહિલા કોર્પોરેટર ગીતાબેન પટેલના માણસો જઈ એના ફોટા પાડીને જે-તે વ્યક્તિને ગીતાબેનનું વિઝિટિંગ કાર્ડ આપી દે છે, જેમાં તેમના પતિ કીર્તિભાઇનો મોબાઇલ નંબર અપાતો હતો. ગેરકાયદે બાંધકામ કરનારી વ્યક્તિ ફોન કરે એટલે સામે કીર્તિભાઇ કહેતા હતા કે જો બાંધકામ તોડાવવું ના હોય તો અમારો વહીવટ કરવો પડશે. તમે અમારી ઓફિસે આવી જાઓ, નહીંતર બાંધકામ તોડી પાડવામાં આવશે, જેથી ડરના માર્યા લોકો કીર્તિભાઇને ભોગ ચઢાવતા હતા. પૂર્વ કોર્પોરેટરના પતિ કીર્તિભાઇ પટેલનો આ અંગેનો ઓડિયો વાઇરલ થયો છે. કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને હવે તેઓ આપ પાર્ટીમાં જોડાયા છે..?
વાઇરલ ઓડિયોમાં વિરાટનગર વિસ્તારમાં સીતારામ હબમાં માત્ર પતરાં લગાવ્યાં હતાં, જેમાં ગેરકાયદેનું બાંધકામ છે અને તેમાં વહીવટ કરવો પડશે, એમ કહ્યું હતું. ગીતાબેનના પતિ વાઇરલ ઓડિયોમાં એવું પણ બોલે છે કે બાજુમાં બનાવ્યું છે, એને પણ પૂછજો કેટલો વહીવટ કર્યો છે. આપણે હજી ટિકિટ લેવાની છે અને ભેગા કરવા પડશે અને રૂ. 20 હજાર મોકલાવી દેજો, એવું તેમણે કહ્યું હતું. બધાના નોર્મલ વહીવટ કેટલા લીધા છે. આપણે હવે આપમાંથી લડવાના છીએ. આપ પાર્ટીને પૈસા નથી આપવાના, આપણે લેવાના છે. પાર્ટી ફંડ નહિ આપે. ભાજપમાં ગયા તો અમારી ભૂલ થઈ છે. ભાજપનું કામ તો કર્યું જ નથી. ઉપરાંત ઓનલાઇન ચડાવવા અંગેની વાત પણ કરે છે.
” અધિકારીઓ સાથે મળી લાખો રૂપિયાનો તોડ થાય છે“
વાઇરલ ઓડિયો અંગેની સરકાર દ્વારા જો યોગ્ય તપાસ કરવામાં આવે તો કોર્પોરેશનના અધિકારીઓની પણ મિલીભગત બહાર આવી શકે છે. શહેરમાં અનેક જગ્યાએ આવાં બાંધકામ થાય છે, જેમાં અનેક લોકો આવી રીતે ગેરકાયદે બાંધકામ બાબતે રોકવાની ધમકી આપી અધિકારીઓ સાથે મળી લાખો રૂપિયાનો તોડ કરતા હોય છે, ત્યારે આવા લોકો સામે સરકાર ખરેખર કાર્યવાહી કરશે કે કેમ એના પર પણ સવાલ છે