કોંગ્રેસમાં AMC ચૂંટણીની ટિકિટ મામલે મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ સોનલ પટેલે ઈન્ડિયા કોલોનીની આખી પેનલની રૂ. ૨૦ લાખમાં સોદાબાજી થઈ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે, જેમાં ધારાસભ્યો અને કોંગી મોવડી મંડળ સામે ખુલ્લેઆમ આક્ષેપ કરવા સાથે ભારે આક્રોશ, નારાજગી અને અસંતોષ ઠાલવ્યો છે. ધારાસભ્ય શૈલેષ પરમારે પોતાના ‘માણસ’ મારફતે ચૂંટણી ટિકીટની ઓફર કરાઈ હોવાનું સોનલ પટેલે જણાવ્યું છે. ઈન્ડિયા કોલોનીમાં આયાતી ઉમેદવારોને ટિકીટ અપાઈ હોવાના દાવા સાથે તેમણે એવો ઘટસ્ફોટ કર્યો છે કે, કોંગ્રેસના નેતાઓના ઝભ્ભો પકડનાર, રૂપાળી, નાનકડી રૂપલલનાઓને ટિકીટ અપાય છે, ભાજપ સાથે ભળીને કોંગ્રેસને તોડવાના મોવડી મંડળ પર આક્ષેપો કર્યા છે. વર્ષોથી કોંગ્રેસમાં કામગીરી કરનારા પાયાના કાર્યકરો અને મહિલાઓને ટિકીટ ફાળવણીમાં ઘોર અન્યાય કરાતો હોવાનું તેમનું કહેવું છે.
ટીકીટ ફાળવણી મુદ્દે સોનલ પટેલે પત્રકારો સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કરતાં કહ્યું કે, ઈન્ડિયા કોલોનીમાં કોંગ્રેસના ઉમેદવારોની આખે આખી પેનલનો સોદો કરાયો છે. તા. ૨૪ના રોજ ધારાસભ્ય શૈલેશ પરમારના ‘માણસ’નો ફોન આવ્યો હતો અને તમારી પાસે કેટલાં પૈસા છે તેવું પૂછયું હતું. જેના જવાબમાં સોનલ પટેલે કહ્યું કે, રૂ. ૧૦ લાખ છે અને ખૂટે તો બીજી તૈયારી છે, કેટલામાં ટિકીટ આપવાની છે તે મને કહો તો ખબર પડે. જોકે, પછી શૈલેશ પરમારના માણસનો ફોન આવ્યો નથી. રૂ. ૧૦ લાખ આપવા છતાં ટિકીટ ન આપતાં હોય તો તેમણે વધુ નાણાં એટેલેકે રૂ. ૨૦ લાખમાં સોદો કર્યો છે. બે ભાજપના સભ્યોને ટિકીટ અપી. ભાનુ ભાઈ કોઠીયા, સરોજ બેન પટેલના પતિ ફઁઁમાં છે. શૈલેષ પરમારે નહીં પરંતુ તેના માણસે ફોન કરીને ખાતરી કરાવી કે સોનલ પટેલની પૈસા ખર્ચવાની કેટલી કેપેસિટી છે. પાંચમી તારીખે વોર્ડ પ્રમુખ તુલસીભાઈએ ફોન કરીને ડોક્યુમેન્ટ મંગાવ્યા હતા.
શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંતના PA અમૃતભાઈનો ફોન આવ્યો હતો અને સુભાષબ્રિજ કલેક્ટર કચેરી પહોંચી જવા અને ત્યાં મેન્ડેટ અપાશે તેવું કહ્યું હતું. સોનલ પટેલ કલેક્ટર કચેરીએ પોતાના મહિલા ટેકેદારો સાથે પહોંચ્યા પછી શશીકાંત કે તેના પી.એ. ફોન જ નહીં ઉપાડીને તેમને મૂરખ બનાવી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના આ મહિલા આગેવાને કહ્યું કે, ૨૦૧૫માં પણ તેમને કડવો અનુભવ થયો હતો. ૨૦૧૫માં ચેતન રાવલ શહેર પ્રમુખ હતા ત્યારે ફોન આવ્યો હતો કે, તમારો મેન્ડેટ આવશે. આ જ ચોરોએ મેન્ડેટ બદલી નાંખ્યો હતો. દિનેશ શર્મા, યશવંત યોગી, હિંમતસિંહ, પદ્માબેન બારોટ, ગીતાબેને મળીને રૂ. ૫ લાખમાં ગીતા પટેલની બેનને ટીકીટ આપી હતી. હિંમતસિંહ, શૈલેષ પરમારે આખા અમદાવાદમાં આ કર્યું છે. કોઈને ખરા સૈનિક તરીકે કોઈને ટિકીટ આપી નથી. તેમને ગમતી બહેનો, તેમનો ઝભ્બો પકડનારી બહેનો, ફંડ આપનારી બહેનો, નાનકડી, રૂપાળી, રૂપલલનાઓને જ ટિકીટ આપવી હોય તો મહિલા કોંગ્રેસની પાંખ શા માટે રાખો છો? અગાઉ, ૨૦૧૦માં દહેગામથી નિકોલ આવી ત્યારે ટિકીટ માંગી નહોતી. ત્રણ પેનલને બાજુએ મૂકીને અન્ય લોકોને ટિકીટ આપવા હિંમતસિંહ પટેલે નરહરિ અમીનની મેમનગરની ઓફિસ રૂ. ૧૫ લાખમાં સોદો કર્યો હતો. કોર્પોરેશન, વિધાનસભા, લોકસભાની ચૂંટણી વેળા પૈસા ભેગા કરીને તિજોરી ભરવી હોય તો મહિલા કાર્યકરોનું શું કામ છે. હિંમતસિંહ, શૈલેશ પરમાર, પરેશ ધાનાણી, અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી સહિત મોવડી મંડળ પર કોંગ્રેસને તોડવાનો આક્ષેપ કર્યો છે.
ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો ટિકિટોમાં મોટો વહીવટ, રાતોરાત માલામાલ થયાના આક્ષેપો
કોંગ્રેસ ભવનમાં જોરશોરથી ચર્ચા છે કે, કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે ટિકિટો આપવામાં મોટો વહીવટ કર્યો છે. ટિકિટથી વંચિત રહેનારા પણ આક્ષેપ કરી રહ્યા છે કે, ધારાસભ્ય હિંમતસિંહ પટેલે રોકડી કરીને ટિકિટોની ફાળવણી કરી છે. અગાઉ પણ એક કાર્યકરે આક્ષેપ કર્યો હતો કે, ધારાસભ્યે ટિકિટો વેચવાનો ધંધો ખોલ્યો છે, સંખ્યાબંધ વોર્ડમાં ત્રણથી આઠ લાખનો ભાવ બોલાયો હતો. ટિકિટોના નામે જોરદાર રોકડી કરીને ધારાસભ્ય રાતોરાત માલામાલ થઈ ગયા છે. ધારાસભ્યે તેમના મળતિયા સાથે મળીને આ કામને અંજામ આપ્યો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે, જોકે પ્રદેશના નેતાઓ આ સમગ્ર મામલે એક હરફ સુદ્ધાં ઉચ્ચારવા તૈયાર નથી.
ગોમતીપુરમાં MLA શૈલેષ પરમારના પૂતળાંને જૂતાંનો હાર પહેરાવાયો
ટિકિટોની ફાળવણી મામલે ભાજપની જેમ કોંગ્રેસમાં પણ જોરદાર ઘમસાણ છે, ગોમતીપુર ખાતે ટિકિટોની ફાળવણી મામલે સ્થાનિકોએ ધારાસભ્ય શૈલેષ પરમાર સામે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. સ્થાનિકોએ ધારાસભ્ય શૈલેષ પરમારના ફોટો સાથેના પૂતળાને જૂતાનો હાર પહેરાવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ગોમતીપુર વિસ્તારનો ૨૩ સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મોટી સંખ્યામાં રાતના સમયે સ્થાનિકો એકઠા થયા હતા, જેમાં શૈલેષ પરમારના પૂતળાને જૂતાનો હાર પહેરાવી સરઘસ કાઢયું હતું.