ગુજરાતમાં CM રૂપાણી દ્વારા મહત્વની જાહેરાત કરાઈ છે. કોરોનાના દર્દીઓના HRCT અને સીટી સ્કેન માટે કિંમત નિર્ધારીત કરી છે. કોરોનાના દર્દીઓને રાહત આપતો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. HRCT અને CT Scanનો મહત્તમ ભાવ રૂ. 3000 નક્કી કરી દેવાયો છે. નક્કી કરેલ ભાવથી વધુ ભાવ લેનાર સામે કાર્યવાહી કરાશે. જો કોઈપણ ડાયગ્નોસ્ટિક સેન્ટર કે લેબોરેટરી વધુ ભાવ લેશે તો કાર્યવાહી થશે.
- મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું કે, કોરોનાના દર્દીઓને સીટી સ્કેનની આવશ્યકતા ઊભી થાય છે. અને HRCT રિપોર્ટ કરાવવો પડે છે. રાજ્ય સરકારના ધ્યાને આવ્યું હતું કે, અલગ-અલગ શહેરોમાં કાર્યરત ડાયગ્નોસ્ટિક સેન્ટર મનફાવે તે રીતે દર્દીઓ પાસેથી ભાવ લે છે. કોરોનાના દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે અને તેમની મુશ્કેલીઓમાં રાહત મળે તે હેતુથી સરકારે તમામ ડાયગ્નોસ્ટિક સેન્ટર માટે HRCT સીટી સ્કેનના ભાવ રૂપિયા 3,000 નિયત કર્યા છે.
” ગુજરાતમાં કોરોનાની સ્થિતિ“
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 8,920 કેસ નોંધાયા છે તો 94 લોકોની મોત છેલ્લા 24 કલાકમાં નોંધાઈ છે. અને 3,387 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 32,9781 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 94 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 94 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5170 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 283 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 49,737 પર પહોંચ્યો છે.