અમદાવાદ: મુંબઈ અને અમદાવાદમાં પ્રજાસતાક દિવસે બ્લાસ્ટ કરાવવા માટે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમે 1996માં મોકલેલા રૂ.અઢી કરોડના આરડીએક્સ સહિતના વિસ્ફોટકોના કેસમાં 25 વર્ષથી ફરાર આંતકી અબ્દુલ માજિદ કુટ્ટીને ગુજરાત એટીએસની ટીમે ઝડપી લીધો છે. ગુજરાત એટીએસએ દાઉદની ચેનલમાં મહત્વનું ગાબડું પાડયાનું કુટ્ટીની ધરપકડથી માનવામાં આવે છે. અબ્દુલ મજીદ કુટ્ટી અંડરવર્લ્ડ ડોન દાઉદ, તેના ભાઈ અનિશ, છોટા શકીલ, અબુ સાલેમ, ટાઈગર મેમણ, મોહંમદ ડોસા સાથે અબ્દુલ મજીદ કુટ્ટીને ઘરોબો ધરાવતો હતો. 1996માં મહેસાણામાં વિસ્ફોટકો પકડાયા બાદ કુટ્ટી બેંગકોક અને ત્યાંથી મલેશિયા ભાગી ગયો હતો.
2019માં ભારતમાં ઝારખંડના જમશેદપુરમાં કુટ્ટી નામ બદલી કમાલખાન નામ ધારણ કરી રહેતો હતો.અંડરવર્લ્ડ ડોન દાઉદે પાકિસ્તાનથી વિસ્ફોટકો રાજસ્થાન બાડમેર બોર્ડરથી 1996માં ગુજરાતમાં ઘુસાડ્યા હતા. મહેસાણા પોલીસે 4 કિલો આરડીએક્સ, 10 નંગ ડિટોનેટર, પાકિસ્તાન બનાવટની ઓટોમેટિક સ્ટાર પિસ્ટોલ અને ચાઈનીઝ બનાવટની 10 મળી કુલ 125 પિસ્ટલ, 113 મેગઝીન, 750 કારતુસ સહિત રૂ.2.50 કરોડના વિસ્ફોટક કબ્જે કર્યા હતા.
ગુજરાત પોલીસે આ ગુનામાં મોહંમદ ફઝલ મોહંમદ હરનાત પઠાણ રહે, ડુંગર પાડા, અજમેર,રાજસ્થાન, કુરેશી અનવર ઉર્ફ પપ્પુ,અખ્તર રહે, મુંબઈ અને શકીલ ઇબ્રાહિમ કુરેશી રહે,મુંબઈ મૂળ બરેલી ઉત્તરપ્રદેશની ધરપકડ કરી હતી. આ ગુનામાં અબ્દુલ મજીદ કુટ્ટી, અંડરવર્લ્ડ ડોન દાઉદ અને અબુસાલેમના નામ ખુલ્યા હતા. ગુજરાત એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લ અને ડીવાયએસપી કે.કે.પટેલને માહિતી મળી કે, અબ્દુલ મજીદ કુટ્ટી હાલમાં ઝારખંડના જમશેદપુર ખાતે ટેલકો મસ્જિદ પાસે બરીનગરમાં મોહંમદ કમાલ મોહમધરું રસીદ નામ ધારણ કરીને રહે છે. બાતમીના આધારે એટીએસના ડીવાયએસપી કે.કે.પટેલ ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. આરોપી અબ્દુલ મજીદ કુટ્ટી ઉર્ફ મોહંમદ કમાલને ઝડપી લીધો હતો.પોલીસ તપાસમાં કુટ્ટીનો જન્મ બોમ્બે માહીમ ખાતે 1962માં થયો હતો. ધો.10 સુધીનો અભ્યાસ કરનાર કુટ્ટીના પિતાનું 1978માં અવસાન થયું હતું. કુટ્ટીના પિતા મેડિકલ સ્ટોર ચલાવતા હતા. કુટ્ટી પિતાના અવસાન બાદ દુબઇ ગયો ત્યાં 1984 સુધી એલ્યુમિનિયમ સેક્શન ગ્લાસ ફિટિંગનું કામ કર્યું હતું અને પરત મુંબઈ આવ્યો હતો.બોમ્બેમાં મોહમદ અલી રોડ કુટ્ટી જમાતમા જતો ત્યાં તેની મુલાકાત અંડરવર્લ્ડ ડોન દાઉદ, તેના ભાઈ અનિશ ઈબ્રાહીમ, ટાઇગર મેમણ, અબુ સાલેમ, મોહંમદ ડોસા, છોટા શકીલ અને મુસ્તુફા ડોસાના સંપર્કમાં આવ્યો હતો. દાઉદ ગેંગ સાથે કુટ્ટી સોનાના સ્મગલિંગ અને કસ્ટમ ચોરીના ગુના આચરતો અને દુબઈ આવનજાવન કરતો હતો.1996માં કુટ્ટી દુબઈમાં હતો ત્યારે અબુસાલેમ મળ્યો હતો. સાલેમે ગુજરાત-મહારાષ્ટ્રમાં પ્રજાસતાક દિવસે વિસ્ફોટ કરવા મોકલેલા વિસ્ફોટકોના જથ્થાની અજમેરથી ડિલિવરી લેવા જણાવ્યું હતું. આ જથ્થો લેવા કુટ્ટીએ તેના માણસ મોહંમદ ફઝલને મોકલ્યો હતો.અબુસાલેમએ કુટ્ટીને જાણકારી આપી કે, વિસ્ફોટકો સાથે તારો માણસ પકડાઈ ગયો છે અને મારો માણસ ફરાર થઈ ગયો છે. કુટ્ટી બાદમાં બેંગકોક જતો રહ્યો ત્યાં પરચુરણ કામ કરી 1999 સુધી રહ્યો હતો. તે પછી કુટ્ટીનો સંપર્ક પોરબંદરના મમુમિયાં પંજુમિયા સાથે થતા તેની સાથે સોનાનું સ્મગલિંગ શરૂ કર્યું હતું. આ ગાળામાં જમશેદપુરના મોહંમદ ઈનામઅલી સાથે કોન્ટેક્ટ થતા કુટ્ટીને તેણે મોહંમદ કમાલના નામનો પાસપોર્ટ બનાવી આપતા તે મલેશિયા જતો રહ્યો હતો.કુટ્ટીએ મલેશિયાના કુઆલાલમ્પુરમાં રહી કાપડનો વ્યવસાય શરૂ કર્યો હતો. 2019માં કુટ્ટી જમશેદપુર આવીને કમાલના નામે રહેતો હતો. દરમિયાન એટીએસની ટીમે તેણે ઝડપી લીધો છે. આરોપીનું કોરોના રિપોર્ટ માટે સેમ્પલ લેવાયું છે. બાદમાં તેની ધરપકડ કરવામાં આવશે. રૂ અઢી કરોડના વિસ્ફોટકો પકડવાના ગુનામાં અગાઉ પકડાયેલા ત્રણ આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા અને રૂ.એક લાખનો દંડ કર્યો હતો.