અમદાવાદ શહેરમાં નવા પશ્ચિમ ઝોનમાં ફરજ બજાવતા સફાઈકર્મચારીઓને વારસાઈનો હક મળે એવી માગ સાથે ગુરુવારે સવારથી શહેરમાં ફરજ બજાવતા 17 હજાર સફાઈકર્મી હડતાળ પર ઊતરી ગયા છે. તેમની હડતાળનો આજે બીજો દિવસ છે. તેઓ તેમનાં કામકાજથી આજે અળગા રહ્યા હતા. બોડકદેવ ઝોનલ ઓફિસની બહાર સૂત્રોચ્ચાર કરીને સફાઈકામદારોએ વિરોધ નોંધાવ્યો હતો. તેમનું કહેવું છે કે જ્યાં સુધી ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી હડતાળ યથાવત્ રહેશે. ગુરુવારે પીઆઇ આર.એમ. સરોદેએ સફાઈકર્મીઓની ફરિયાદ લેવાની ના પાડી દીધી હતી, જેને પગલે આક્રમક બનેલા સફાઈકર્મીઓએ હાય હાય ભાજપ, મેયર, કમિશનરના સૂત્રોચ્ચાર કર્યા, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો હુરિયો બોલાવ્યો હતો.
બોડકદેવ ઝોનલ ઓફિસ બહાર સફાઈકામદારોનાં ધરણાં.બોડકદેવ ઝોનલ ઓફિસ બહાર સફાઈકામદારોનાં ધરણાં.વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન સામેનો રોડ બ્લોક કરી દીધો હતોસફાઈકર્મીઓએ ગુરુવારે બપોર બાદ ત્રણ કલાક કરતાં વધુ સમય સુધી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન સામેનો રોડ બ્લોક કરી દીધો હતો. DYMC ખરસાણ સામે ફરિયાદ નોંધવા ત્રણ વખત પોલીસ સાથે વાટાઘાટો છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.
સફાઈકર્મીઓ પોલીસ ફરિયાદની માગ પર અડગ છે, જ્યારે પોલીસ ફરિયાદ નોંધવાની ના પાડી રહી છે, જેને પગલે સફાઈકર્મીના આગેવાને કહ્યું, હવે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને આવેદનપત્ર આપી રજૂઆત કરશે. મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર સાથે જ વાટાઘાટો કરીશું. હવે વધુ ગુણવંતભાઈ જેવા આત્મવિલોપન કરી શકે છે. DCP રવીન્દ્ર પટેલને આ બાબતે કહી દીધું છે. હવે અમારે આકરો નિર્ણય લેવો પડશે. જો ફરિયાદ નહીં લે તો શારદાબેન હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ, વી.એસ.હોસ્પિટલ, મલેરિયા ખાતું અને AMTS સહિતનાં બધાં જ ખાતાં બંધ કરીશું.
જ્યાં સુધી પોલીસ ફરિયાદ નહીં નોંધે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.જ્યાં સુધી પોલીસ ફરિયાદ નહીં નોંધે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.પહેલીવાર પોલીસ સ્ટેશનોના દરવાજા બંધસવારથી સફાઈકર્મીઓ બોડકદેવ ખાતે આવેલી ઉત્તરપશ્ચિમ ઝોનની ઓફિસે ભેગા થયા છે. કર્મીઓની ભીડ જામતાં બોડકદેવ ઝોનલ ઓફિસના ગેટ પોલીસે બંધ કરાવી દીધા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનો કર્મચારી હોય કે સામાન્ય માણસ હોય, કોઈને પણ અંદર જવાની પરમિશન આપવામાં આવતી નથી. પોલીસે ઝોનલ ઓફિસના ગેટને બંધ કરાવી દેતાં કામકાજ અટકી પડ્યું છે. ત્યાર બાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પણ ગેટ બંધ કરી દેવાતાં નોકરમંડળની આકરા આંદોલનની ચીમકી આપવામાં આવી છે.