ભાજપ-કોંગ્રેસ MLAની રજૂઆત, ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી કરો-ધાર્મિક તહેવારોમાં નોન વેજના વેચાણને બંધ કરાવો.
અમદાવાદ શહેરના ભાજપ- કોંગ્રેસના ધારાસભ્યો અને સાંસદ સભ્યોની મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જમાલપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા એ કમિશનર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી કે, કોઈ રાજકીય ફાયદા અને કોંગ્રેસના ધારાસભ્ય હોવાના કારણે માત્ર જમાલપુરમાં જ ગેરકાયદેસર બાંધકામો તોડવામાં આવે છે. શહેરમાં 40 હજાર જેટલા ગેરકાયદેસર બાંધકામો છે જેનું મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જ મને લિસ્ટ આપવામાં આવ્યું છે, આ તમામ બાંધકામો તમે સામે કાર્યવાહી કરવામાં આવે..
ગેરકાયદેસર બાંધકામો એક જ સમાજને ટાર્ગેટ કરી તોડાય છે’ઇમરાન ખેડાવાલાએ કમિશનરને જણાવ્યું હતું કે, જમાલપુર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોમાં એક જ સમાજને ટાર્ગેટ કરીને તોડવામાં આવી રહ્યા છે, જ્યારે બાંધકામ આખા ઊભા થઈ જાય ત્યાં સુધી કોઈ કાર્યવાહી થતી નથી. તેમણે માંગ કરી કે, બાંધકામ બનતું હોય ત્યારે જ સીલ મારવા અથવા તોડી પાડવા જોઈએ. જ્યાં સુધી બાંધકામ ઊભું થઈ જાય ત્યાં સુધી અધિકારીઓ કોઈ કાર્યવાહી કરતા નથી, તેથી આવા અધિકારીઓ સામે કડક પગલાં લેવા માટે પણ તેમણે રજૂઆત કરી હતી.
તહેવારોમાં જાહેરમાં નોનવેજ વેચાણ બંધ કરાવવા ભાજપ MLAની માગભાજપના દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય કૌશિક જૈને પણ ગેરકાયદેસર બાંધકામો મુદ્દે રજૂઆત કરી હતી કે, જ્યારે બાંધકામ બની જાય ત્યારે જ તેને તોડી પાડવું જોઈએ, જેથી લોકોને ખાલી કરવા અને હેરાનગતિનો ભોગ ન બનવું પડે. તેમણે આવા બિલ્ડરો તેમજ કોર્પોરેશનના અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવા માગ કરી હતી. આ ઉપરાંત, કૌશિક જૈને આગામી ધાર્મિક તહેવારો – શ્રાવણ મહિનો, જૈનોના પર્યુષણ અને નવરાત્રીને ધ્યાનમાં રાખીને જાહેર રોડ ઉપર માંસ, મટન-ચિકન જેવી ચીજવસ્તુઓનું વેચાણ બંધ કરાવવા રજૂઆત કરી. તેમણે જણાવ્યું કે, શહેરના અનેક વિસ્તારોમાં જાહેરમાં વેચાણની લારીઓ બંધ કરાવવામાં આવે, અને જો પોલીસ બંદોબસ્તની જરૂરિયાત થાય તો તે માટે પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી રજૂઆત કરી બંદોબસ્ત અપાવવામાં આવશે.સ્લોટર હાઉસ ખસેડવા અને બંધ શાળાઓના હેતુફેરની રજૂઆતોજમાલપુર વિસ્તારમાં આવેલા સ્લોટર હાઉસને ખસેડવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી.
જગન્નાથ મંદિરની નજીકમાં આવેલું આ સ્લોટર હાઉસ સુએઝ ફાર્મ પાસે આવેલી કોર્પોરેશનની એગ્રો જગ્યામાં નવું બનાવવામાં આવે અને જૂની જગ્યાને પાર્ટી પ્લોટ અથવા હોલ બનાવી આપવા માંગણી કરાઈ હતી. આ ઉપરાંત, જમાલપુર વિસ્તારમાં 36થી વધુ મ્યુનિસિપલ કોર્પોરેશનની બંધ અને જર્જરિત શાળાઓ છે. આ બંધ થયેલી શાળાઓનો હેતુફેર કરીને આરોગ્ય સેન્ટર અથવા અન્ય સુવિધાના કામો માટે જગ્યા ફાળવવાની રજૂઆત પણ કરવામાં આવી હતી.AMC મિલકતોની જાળવણી અને ફરિયાદ નિવારણમાં અનિયમિતતાએલિસબ્રિજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ અમિત શાહે રજૂઆત કરી હતી કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલકતોની જાળવણી કરવાની જવાબદારી અધિકારીઓની છે, પરંતુ અધિકારીઓ આ બાબતે ધ્યાન આપતા નથી. તેમણે ઉદાહરણ આપ્યું કે, શહેરના જમાલપુર ફૂલ બજાર, કાલુપુર વેજીટેબલ માર્કેટ અને લાલ દરવાજા પાલિકા બજારની લીઝ પૂરી થઈ ગઈ છે,
પરંતુ તેની ફાઈલ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મળતી નથી. કયા સમયે લીઝ આપી હતી અને ક્યારે પૂરી થઈ તેની માહિતી પણ અધિકારીઓ પાસે નથી. તેમણે આક્ષેપ કર્યો કે હવે અધિકારીઓ જર્જરિત હાલતમાં થઈ ગયેલા લાલ દરવાજા પાલિકા બજારની ફાઈલ હોવાનું કહે છે.
વધુમાં, અમિત શાહે જણાવ્યું કે, નાગરિકો 155303 નંબર ઉપર ફરિયાદ કરે છે, પરંતુ ફરિયાદનો નિકાલ કર્યા વિના જ તેમને મેસેજ આવી જાય છે કે ફરિયાદનો નિકાલ થઈ ગયો છે. તેમણે આવી નાગરિકોની ફરિયાદનો નિકાલ કર્યા વિના જ ફરિયાદો પૂરી થઈ ગયા હોવાનું સિસ્ટમમાં બતાવી દેનારા અધિકારીઓને સસ્પેન્ડ કરવા માટેની રજૂઆત કરી. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ પણ આ મામલે જણાવ્યું હતું કે, આવી બાબતો તેમના ધ્યાને પણ આવેલી છે અને ચોક્કસથી આ મામલે ધ્યાન આપી કાર્યવાહી કરવામાં આવશે.