વેપારીઓને ટાર્ગેટ કરી મિત્રતા (Friendship) કેળવીને તેમની પાસેથી રૂપિયા પડાવતી ગેંગના ત્રણ લોકોની ધરપકડ (three accused arrested) કરવા માં આવી છે..નોંધનીય છે કે ગેંગમાં ડિસમિસ પોલીસ અને વકીલ પણ સામેલ છે. નોંધનીય છે કે આ લોકો મહિલા ક્રાઈમમાં ખોટી અરજી કરી વેપારીઓને ડરાવતા હતા.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ગિરફતમાં આવેલા આ આરોપીઓ અનેક વેપારીઓને ટાર્ગેટ કરી ચુક્યા છે અને પોતાના શિકાર બનાવી ચુક્યા છે. આ ગેંગનો માસ્ટર માઈન્ડ છે ડિસમિસ પોલીસ કર્મચારી જીતેન્દ્ર મોદી અને તેની સાથે અન્ય આરોપી બિપિન પરમાર જે વકીલ છે અને ઉન્નતી રાજપૂત આ તમામ લોકો અન્ય સાગરીતો સાથે મળી 50થી 60 વર્ષના વેપારીઓને પોતાનો ટાર્ગેટ બનાવતા હતા અને સમાધાનના નામે તેમની પાસેથી તોડ કરી લેતા હતા.
ઘટનાની વાત કરીએ તો ગેંગનો માસ્ટર માઈન્ડ (Master- Mind) જીતેન્દ્ર મોદી જે ફેસબુકમાં મહિલાઓના નામે અલગ અલગ એકાઉન્ટ બનાવતો હતો અને ત્યાર બાદ વેપારીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કરતો હતો. ત્યાર બાદ મેસેન્જર પર વાત કરી એક મોબાઈલ નંબર આપતો હતો અને જે મોબાઇલ નંબર પર ઉન્નતી અને ગેંગ માં સામેલ અન્ય યુવતી જાહનવી સાથે વાત કરાવતો હતો. ત્યાર બાદ વેપારીને હોટેલના રૂમ અથવા કારમાં બોલાવી એકાંતમાં મોકલી દેતો હતો.આ સમગ્ર ઘટના બાદ જેતે વેપારી વિરુદ્ધમાં મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરાવતો હતો..અરજી થયા બાદ ગેંગના અન્ય લોકો યુવતીના બેન અને બનેવી તરીકે ઓળખ આપતા.અને બિપિન પોતે વકીલ અને જીતેન્દ્ર પોલીસની ઓળખ આપી વેપારીને ડરાવીને કહેતા હતા કે આમાં તો પોસ્કો અને બળાત્કાર દાખલ થશે તેમ કહી રૂપિયા પડાવી લેવાનું કામ કરતા હતા.નોંધનીય છે કે હાલ સુધી આ લોકો એ 4 અરજી કર્યા હોવાનું સામે આવ્યું છે પરંતુ આ લોકો અત્યાર સુધીમાં કેટલા રૂપિયા પડાવી લીધા છે અને આ ગેંગમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને કોઈ મહિલા પોલીસ ની સંડોવણી છે કે કેમ તે તમામ દિશા માં તપાસ કરવા માં આવી રહી છે