સોશિયલ મીડિયામાં વિદેશી યુવતીના નામે રિક્વેસ્ટ મોકલીને અમદાવાદના આધેડ સાથે સાયબર ઠગ ટોળકીએ 32 લાખની છેતરપિંડી કરી હતી. સોશિયલ સાઈટ ફેસબુકના માધ્યમથી વિદેશી મહિલાના નામે મિત્રતા કેળવી ગિફ્ટ મોકલવાની લાલચે છેતરપિંડી કરતી ગેંગને સાયબર ક્રાઈમની ટીમ ઝડપી પાડી છે. અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે એક નાઇજીરિયન અને મણીપુરના બે યુવકોની દિલ્હીથી ધરપકડ કરી છે.
પકડાયેલા આરોપીઓના નામ ઉડેચુક્વુ ઓન્યેબુચી, માંગખોલુંન હાઉકીપ અને હેખોલમ ગમાર છે. આ તમામ આરોપી નાઈઝીરીયા અને મણીપુરના રહેવાસી છે. આરોપીઓ વિદેશી મહિલાના નામે ફેસબુક એકાઉન્ટ બનાવી લોકો સાથે મિત્રતા કેળવતા હતા. બાદમાં મોંઘી ગિફ્ટ મોકલી હોવાનું જણાવી કસ્ટમ, રેવન્યુ વિભાગના અધિકારી દ્વારા મની લોડરિંગનો ગુનો નોંધાવાની ધમકી આપી રૂપિયા પડાવતા હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
જેમની પાસેથી 10 મોબાઇલ, અલગ-અલગ બેંકના કાર્ડ. પાસબુક. ચેકબુક. આધારકાર્ડ. પાનકાર્ડ મળ્યા છે. ઉપરાંત આરોપીની પૂછપરછમાં સામે આવી છે કે તમામ બેંક એકાઉન્ટ 8 હજારથી લઈ 15 હજાર રૂપિયાના ભાડા પર મેળવ્યા હતા. સાથે આ ગુનામાં એક મહિલાની પણ સંડોવણી સામે આવી છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. ગિફ્ટ આપવાના નામે છેતરપિંડી કરતી આ ગેંગની મોડસ ઓપરેન્ડી અને તેમની પાસેથી મળી આવેલી બેંકની વિગતોના આધારે તપાસ કરતા અન્ય ફરિયાદો પણ સામે આવશે.