અમદાવાદમાં 8 અને વડોદરામાં 2 એમ કુલ 10 ગુનાનો ભેદ ઉકેલાયો
અમદાવાદ નારણપુરા પોલીસે ચાર આરોપીઓને ઝડપી 3.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
અમદાવાદ શહેરમાં બનાવટી આધારકાર્ડ પધરાવીને મોંઘાદાટ કેમેરા ભાડે લઈ જઈ છેતરપિંડી કરતી ગેંગનો નારપુર પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં ચાર આરોપીઓને દબોચી લીધા છે. શાહપુર, નારણપુરા, વટવા, કૃષ્ણનગર તેમજ વડોદરામાં નોંધાયેલા કિસ્સા બાદ પોલીસના નાકે દમ લાવી દેનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
અમદાવાદમાં 8 અને વડોદરામાં 2 એમ કુલ 10 ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.3.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આરોપીઓ કોમ્યુટરમાં નકલી આધારકાર્ડ બનાવીને તેને આઈડી પ્રુફ તરીકે દુકાનોમાં આપીને કેમેરા ભાડે લેતા હતા. બાદમાં તેઓ છેતરપીંડી કરી ફરાર થઇ જતા હતા. જો કે આ મામલે શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસ તપાસમાં લાગી ગઇ હતી. આ અંગે નારણપુરા પો. સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પીઆઈ એ.જી.જાદવે તપાસ શરૂ કરીને પોલીસે કરણ ઉપેન્દ્ર સિસોદીયા(20), સરલ કમેલશ ઉપાધ્યાય(25), અભિષેક રાજેશ ઠકકર(21) અને નમન સિસોદીયા(22)ને ઝડપી લીધા હતા.
ચારેય આરોપીઓ પાસેથી પોલીસે 10 કેમેરા, 5 મોબાઈલ ફોન, કોમ્પ્યુટર અને 12 નકલી આધારકાર્ડ મેળવ્યા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું કે યુવાનો ઘરે કોમ્પ્યુટર ઉપર ખોટા આધારકાર્ડ બનાવીને આઈડી તરીકે આપીને કેમેરા ભાડે લઈ પાછા કરતા ન હતા. ચારેય આરોપીઓએ નારણપુરા, વસ્ત્રાપુર, વેજલપુર, કૃષ્ણનગર, સોલા, વટવા અને વડોદરામાં મળીને 10 કેમેરાની છેતરપિંડી કરી હતી.