અમદાવાદ: બાપુનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં બે સંતાનો અને પતિ સાથે રહેતી મહિલાનો સ્નાન કરતો વિડીયો મકાન માલિકના પુત્રે ઉતાર્યો હતો. મહિલાનું ધ્યાન જતા શંકાના આધારે આરોપીને ઝડપ્યો હતો. જોકે પોલીસ સમક્ષ આરોપીએ વીડિયો ડીલીટ માર્યાનો ખુલાસો કર્યો હતો.
31 વર્ષીય સાધના (નામ બદલ્યું છે) બાપુનગર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પતિ અને બે બાળકો સાથે ભાડાના મકાનમાં રહે છે. સવારે 6.30 વાગ્યે પતિ નોકરીએ જતો રહ્યો બાદમાં સાધના બાળકોને સ્કૂલનું લેશન કરાવતી હતી. બપોરે ઘરનું કામકાજ પતાવી સાધના બપોરે 12 વાગ્યે મકાનમાં આવેલી ચોકડીમાં સ્નાન કરવા બેઠી હતી. તે સમયે સાધનાના પતરા વાળા રૂમની દીવાલ ઉપર લાગેલી જળીમાંથી મોબાઇલ ફોન પકડેલો હાથ આવ્યો હતો. આથી સાધનાએ કોણ છે તેમ બૂમ પાડી કપડાં પહેરી બાજુની ગેલેરીમાં કામ કરતી મહિલાઓને સવાલ કર્યો કે, કોઈ ચોકડી આગળથી પસાર થયુ હતું..જોકે મહિલાઓએ ના પાડી બાદમાં સાધનાએ મકાન માલિક મહિલાને કોઈ તેનો વીડિયો ઉતાર્યાની શંકા વ્યક્ત કરી હતી. મહિલાએ કોણ હશે તેમ કહ્યું. બાદમાં સાધના મકાન ભાડે અપાવનાર તેના સબંધીને વાત કરતા તેઓ મકાન માલિકના ઘરે ગયા હતા. સાધનાએ મકાન માલિકના બન્ને છોકરાના ફોન ચેક કર્યા અને એક છોકરાના ફોન પર લાગેલું કવર ન હતું. આથી સાધનાએ કવર અંગે સવાલ કરતા, મહિલાએ બગડી ગયું હશે એટલે કાઢી નાખ્યું છે તેમ કહ્યુ હતું. જોકે બનાવ અંગે સાધનાએ પોલીસને ફોન કર્યો હતો. પોલીસ તપાસમાં મકાન માલિકના નાના પુત્રએ વીડિયો ઉતારી ડીલીટ કરી નાંખ્યાનું જણાવ્યું હતું. બનાવ અંગે બાપુનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.