ગાંધીનગરઃ આજે કેબિનેટની મીટિંગ અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે,‘ગુજરાત સરકારે સલામતીના હેતુથી જે ખાતરી આપી હતી તે હવે પૂરી કરવાની છે. ગત વિધાનસભામાં જમીન ઉચાપત મામલે કાયદાનું બિલ લાવવામાં આવ્યું હતું. જેમાં જમીન માફિયાઓને કાબૂમાં કરવા માટે નિયમો બનાવ્યા છે. જેમા હવેથી ગેરકાયદેસર જમીન પચાવી પાડનારને 10થી 14 વર્ષની સજા થશે.
આ મામલે 6 મહિનાની અંદર કોર્ટ નિર્ણય સંભળાવશે. આ કાર્ય માટે 7 અધિકારીઓની કમિટી બનાવવામાં આવશે.’
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, ‘ગમે તે માથાભારે વ્યક્તિ હોય તેની વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવશે, આ ફરિયાદ મળ્યાના 20 દિવસમાં જ કાર્યવાહી હાથ ધરવામા આવશે. આ માટે દર 15 દિવસે ફરજિયાત બેઠક યોજવામા આવશે. કેસોના ઝડપી નિકાલ-ગુનેગારોને કડક સજા કરવા વિશેષ અદાલતોની રચના કરવામા આવશે.’ રાજ્યમાં છેલ્લા અમુક વર્ષોમાં સામાન્ય ખેડૂતોની જમીન ભૂમાફિયાઓએ પચાવી પાડી હોવાની વ્યાપક ફરિયાદો રાજ્ય સરકાર સુધી પહોંચી હતી અને ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો. જેથી સરકારે કડક કાયદો બનાવવા પર ધ્યાન આપ્યું હતું. આ કાયદા હેઠળ ગુનો સાબિત થવા પર ઓછામાં ઓછી 10 વર્ષની અને વધુમાં વધુ 14 વર્ષની સજા ફટકારવામા આવશે.આ સાથે મુખ્યમંત્રી રૂપાણીએ એક કમિટી બનાવવાની વાત કરી હતી. જેથી કાયદાનો ગેરલાભ લઈને લે-ભાગુ તત્ત્વો કે ખોટી ફરિયાદ થકી જમીનને બિનજરૂરી વિવાદમાં નાંખવાની ઘટનાઓ ના બને. આ કમિટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ મળતી ફરિયાદોની ચકાસણી કરશે.
આ કમિટી જીલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બનશે. જેમાં જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પોલીસ અધિક્ષક તથા મ્યુનિ કમિશ્નર અને પોલીસ કમિશ્નર ઉપરાંત શહેરી વિકાસ સત્તામંડળના સીઈઓ આ સમિતિમાં સામેલ રહેશે. માથાભારે વ્યક્તિ સામે પગલા લેવા જીલ્લા કલેક્ટર અને રાજ્ય સરકારને આપમેળે-સુઓમોટો લઈ કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે. ફરિયાદ મળ્યાના 21 દિવસમાં કમિટીએ નિર્ણય લેવાનો રહેશે. કમિટીની ફરજીયાત બેઠક દર 15 દિવસે યોજાશે. જ્યારે FIR નોંધાયાના 30 દિવસની અંદર સંપૂર્ણ તહોમતનામું આ કાયદાના અમલ માટેની વિશેષ કોર્ટમાં રજૂ કરવાનું રહેશે