અમદાવાદ : શહેરમાં જાણે હત્યાની સિઝન ચાલી રહી હોય તેમ એક બાદ એક હત્યાના બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો. નરોડા પાટિયા હત્યાકાંડમાં આરોપીની જ 2 લોકોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી. આ ઘટનામાં નરોડા પોલીસે એક સગીર સહિત બે લોકોની અટકાયત કરી છે.નરોડા પોલીસની ગિરફ્તમાં આવેલ આ શખ્સનું નામ છે કમલેશ ચુનારા, આરોપી કમલેશની નરોડા પોલીસે હત્યાના ગુનામાં ધરપકડ કરી છે, અને માત્ર કમલેશ જ નહિ પણ એક સગીરને પણ હત્યાના ગુનામાં પકડવામાં આવ્યો છે. ગત રાતે પોલીસને બનાવ અંગે જાણ થતાં નરોડા પોલીસ પાટિયા નજીક સંજય નગર છાપરા પાસે પહોંચી, ત્યારે નવાબ કાળુ ઠાકોરની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરેલ હાલતમાં મૃતદેહ પડ્યો હતો.પોલીસે તપાસ કરતા મૃતકને પકડાયેલા આરોપીઓએ 12 થી 15 જેટલા ઘા મારી મોતને ઘાટ ઉતારી નાખ્યો હોવાનું સામે આવ્યું. પોલીસ તપાસ કરતા સામે આવ્યું કે મૃતક થોડા વર્ષ પહેલા આરોપી કમલેશના પરિવારમાંથી મહિલાને કે ભગાડી ગયો હતો. જેની અદાવત અને અગાઉની નાણાં ની લેવડ દેવડ બાબતે તાજેતરમાં જ બોલા ચાલી થઈ હતી. જે તમામ બાબતોની અદાવત રાખી કમલેશ અને સગીર નવાબ ઉર્ફે કાળુ ઠાકોર પાસે ગયા હતા. જ્યાં વાતચીત ચાલુ હતી ને તરત સગીર તીક્ષ્ણ હથિયાર સાથે તૂટી પડ્યો અને બાદમાં કમલેશે પણ હાથ સાફ કર્યો…!