ભાજપ મોવડી મંડળે ત્રણ ટર્મથી જીતતા કોર્પોરેટરો અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારોને મેદાનમાં નહીં ઉતારવાની જાહેરાત કરી દીધી છે સાથે વધુમાં વધુ યુવાનોને તક આપવામાં આવશે તેવું જણાવી દીધું છે. જેના કારણે કોંગ્રેસના મોવડી મંડળ ઉપર પણ દબાણ વધી રહ્યું છે.
એવું ચર્ચાઇ રહ્યું છે કે, કોંગ્રેસ પણ ટિકિટોની પસંદગીમાં બે ટર્મથી સતત હારતાં ઉમેદવારોને મેદાનમાં ઉતારશે નહીં, ૭૦ વર્ષથી વધુ ઉંમરના ટિકિટ આપશે નહીં. જોકે, આ અંગે સત્તાવાર કોઇ જાહેરાત કરવામાં આવી રહી નથી.
એએમસીની ચૂંટણીમાં ફોર્મ ભરવાને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે પણ હજુ સુધી ભાજપ કે કોંગ્રેસે ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરી નથી. એની પાછળનું કારણ એવું છે કે, બંને પક્ષોમાં ઉમેદવારોના નામ જાહેર થયા બાદ કેટલાંક વોર્ડમાં બળવાખોરો મેદાનમાં ઉતરે તેવો ડર સતાવી રહ્યો છે.
કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા જે વોર્ડમાં મજબુત બે પુરુષ દાવેદારો હોય ત્યાં એક પુરુષ દાવેદારને ટિકિટ આપી બીજા દાવેદારની પત્નિ કે પુત્રી કે પુત્રવધુને ટિકિટ આપીને બેલેન્સ કરવાની રણનીતિ ચાલી રહી છે જેના માટે ચોક્કસ નેતાઓને કામે લગાડવામાં આવ્યા છે. દાવેદારો માની જશે તે વોર્ડની પેનલો જાહેર થશે પણ જ્યાં દાવેદારો વચ્ચે સંઘર્ષ થશે ત્યાં છેલ્લા દિવસે સીધા મેન્ડેટ અપાશે.