ગુજરાત :- રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે જીત માટે કમર કસી છે. કોંગ્રેસે 5 મહાનગરપાલિકાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, જામનગરના ઉમેદવારોના નામ કોંગ્રેસ દ્વારા કરી દેવાયા છે. સુરતના 19 વોર્ડના 52 ઉમેદવારો જાહેર કરાયા છે. તો રાજકોટના 14 વોર્ડના 22 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ભાવનગરમાં 10 વોર્ડના 21 ઉમેદવાર કર્યા છે. જામનગરના 7 વોર્ડના 27 ઉમેદવાર જાહેર છે. તો જામનગરમાં વોર્ડ નં 6માં એક ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. જો કે, સૌથી મોટા વોર્ડ અમદાવાદના ઉમેદવારોનું નામ જાહેર કરવાના બાકી છે.
વડોદરામાં કોંગ્રેસે રિપીટ થિયરી અપનાવી
વડોદરા મહાનગર પાલિકામાં કોંગ્રેસે રિપીટ થિયરી અપનાવી છે. વડોદરાના 11 વોર્ડના 20 ઉમેદવાર જાહેર કર્યા છે. પાલિકાના પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તને વોર્ડ નંબર 16માંથી ટિકિટ આપી છે. જહા ભરવાડ, પુષ્પા વાઘેલા, બાળુ સુર્વે, અનિલ પરમાર, જાગૃતિ રાણા, અલ્કા પટેલને રિપીટ કર્યા છે. વોર્ડ નંબર-1માં પુષ્પાબેન વાઘેલા 3 ટર્મથી કોર્પોરેટર છે. અગાઉ તેમના પતિ રાજુ વાઘેલા 1 ટર્મ કોર્પોરેટર રહ્યા હતા.
અમદાવાદ મનપા ઉમેદવારોના નામ પર સૌની નજર
અમદાવાદમાં કોંગ્રેસ મનપાના ઉમેદવારોની યાદી જાહેર ક્યારે કરશે તેના પર સૌની નજર ટકેલી છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, AMCના કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી તૈયાર છે. અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારો અંગે મોડી રાત સુધી કોંગ્રેસની મેરેથોન બેઠક ચાલી હતી. નિરીક્ષક નિરંજન પટેલ, સહપ્રભારી વિશ્વરંજન મોહંતી. ધારાસભ્ય શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલની હાજરીમાં બેઠક મળી હતી. જેમાં મોટા ભાગના વોર્ડના નામ ક્લિયર થયા છે. ત્યારે નિર્વિવાદિત બેઠકો પર થોડા સમયમાં નામની જાહેરાત થશે. પહેલી યાદીમાં 100થી વધુ ઉમેદવારોના નામ જાહેર થશે.
AMCમાં પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા વોર્ડ બદલશે
કોંગ્રેસની ગઈકાલે મળેલી મેરેથોન બેઠકમાં એવું નક્કી કરાયું છે કે, ભૂતકાળમાં પક્ષ સાથે ગદ્દારી કરનારને ટિકિટ આપવામાં આવશે નહીં. તેથી ગદ્દારી કરનારા કેટલાક વર્તમાન કોર્પોરેટરની પણ ટિકિટ કપાશે તેવું નિશ્ચિત છે. કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા અનુસાર, AMCના પૂર્વ નેતા વિપક્ષ દિનેશ શર્મા વોર્ડ બદલશે. ઈન્ડિયા કોલોનીના બદલે સરસપુરથી ચૂંટણી લડશે. અમદાવાદ મનપાની 192 બેઠકો માટે આજે કોંગ્રેસ 100થી વધુ ઉમેદવારો જાહેર કરશે.