રાજ્યમાં ભ્રષ્ટાચાર રોકવા માટે સરકાર મોટી મોટી વાતો કરે છે અને પોલીસ ભ્રષ્ટાચાર કરે છે. પોલીસની ચોર અને બૂટલેગરો સાથે મિલીભગત છે એવી વાતોને સાર્થક કરતો એક કિસ્સો અમદાવાદ શહેરમાં બન્યો છે. બાપુનગર વિસ્તારમાં રહેતા વેપારીની ડેકોરેશનની દુકાન બહાર એક શખસ લોડિંગ રિક્ષાની બેટરી ચોરવા આવ્યો હતો. વેપારીએ સીસીટીવી ફૂટેજમાં ચોરને જોઈ જતાં મિત્રને જાણ કરી ચોરને પકડી બાપુનગર પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા,
જ્યાં હાજર PSI ચંદ્રસિંહ પરમારે વેપારીને ફરિયાદ નોંધીશું કહી ઘરે મોકલી દીધા હતા. બીજા દિવસે ગયા ત્યારે ચોરને છોડી મૂકવા બાબતે વાત કરતાં PSI પરમારે કહ્યું હતું કે ચોર-બૂટલેગરોને પકડીશું તો અમારું કોણ પૂરું કરશે.
બૂટલેગરોના હપતાથી અમારું માંડ માંડ પૂરું થાય છે
ACP અને ઉચ્ચ અધિકારીઓ સુધી હપતા જાય છે. ચોર-બૂટલેગરોના હપતાથી અમારું માંડ માંડ પૂરું થાય છે. કોઈ અધિકારી કશું નહિ કરી શકે; બધા હપતા ખાય છે કહી કાઢી મૂક્યા હતા. આ સમગ્ર ઘટના બાબતે તેમણે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને લેખિતમાં અરજી કરી અને સીસીટીવી ફૂટેજ પણ રજૂ કર્યા હતા. આ મામલે ઝોન 5 DCP અચલ ત્યાગીને પૂછતાં તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે એક સગીર વયના છોકરાને પકડ્યો હોવાની બાપુનગર પોલીસ સ્ટેશનની સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી છે, પરંતુ ચોરી કરતો હતો કે એવું કંઈ છે નહિ, આ મામલે PSI સામે ફરિયાદ આવી; મારી સુધી આવી નથી અને ચોરીની પણ ફરિયાદ નથી. જો ચોરી કે પ્રયાસ એવું કંઈ બન્યું હશે તો સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરીશું.
ચોરની કબૂલાત, ગાડીઓની બેટરીઓ ચોરતો હતો
પોલીસ કમિશનરને કરેલી અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે બાપુનગર વિસ્તારમાં ચંદ્રપ્રકાશ હોલ પાસે કહાન પાર્કમાં ખોડીદાસ પટેલ રહે છે અને સુનીતા ડેકોરેશન નામથી વેપાર કરે છે. સોમવારે રાત્રિના સમયે ખોડીદાસ ઘરે હાજર હતા એ સમયે તેમની ઓફિસમાં લાગેલા સીસીટીવી ફૂટેજ મોબાઈલમાં ઓનલાઈન જોતા હતા ત્યારે એક શંકાસ્પદ યુવક તેમની ઓફિસની આજુબાજુ આંટા મારતો હતો અને ઓફિસની બહાર પાર્ક કરેલી લોડિંગ રિક્ષામાં કંઈક કરતો હોવાનું દેખાઈ આવ્યું હતું. ખોડીદાસે તાત્કાલિક તેમના મિત્રોને સાથે મળીને તે યુવકને ઝડપી લીધો હતો. ત્યાર બાદ તેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ કિશન પટણી હોવાનું જણાવ્યું હતું. કબૂલાત પણ કરી હતી કે છેલ્લા કેટલાક સમયથી ગાડીઓની બેટરીઓ તથા ફોર-વ્હીલ કારના કાચ તોડી ચોરી કરતો હતો.
અમારા હપતા છેક SP સુધી જાય છે
ખોડીદાસભાઈ તેમના મિત્રો સાથે યુવક પાસેથી ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતો સામાન લઈ બાપુનગર પોલીસ સ્ટેશન ગયા હતા, જ્યાં ફરજ પર હાજર PSI ચંદ્રસિંહ પરમારે પૂછપરછ કરી અને તેમને ઘરે જતા રહો એમ કહી દીધું હતું. ત્યાર બાદ બીજા દિવસે ખોડીદાસભાઈ બાપુનગર પોલીસ સ્ટેશન ગયા ત્યારે ચોર પોલીસ સ્ટેશનમાં ન હતો. PSI પરમારને પૂછપરછ કરી અને આરોપીને કેમ છોડી દીધો કહેતાં જ પરમારે ઉદ્ધતાઈભર્યા અવાજે કહેવા લાગ્યા હતા કે અમારી મરજી, અમે ગમે તેને છોડી દઈએ. ચોરેને પકડીને લોકઅપમાં પૂરી દઈશુ તો અમારા હપતા કેવી રીતે આવશે અને અમારા ઘર કેવી રીતે ચાલશે. અમારા હપતા છેક SP અને ઉપલા અધિકારીઓને જાય છે. ચોર, બૂટલેગરો અડ્ડા ચલાવનારને પકડીને અમે જેલમાં પૂરી દઈશું તો અમે જીવીશું કેવી રીતે, તેમના હપતાથી માંડ માંડ અમારું પાર પડે છે.
ઉદ્ધતાઈભર્યું વર્તન કરી ખોડીદાસભાઈ તથા તેમના મિત્રને પોલીસ સ્ટેશનમાંથી બહાર કાઢી મૂક્યા હતા. આ મામલે અધિકારી પણ કંઈ સાંભળવા તૈયાર થતા જ ન હતા, જેથી આવા ભષ્ટાચારી અધિકારીઓ પ્રજાની રક્ષા માટે છે કે ચોર, બૂટલેગરોની સેવા માટે, જેને પગલે ખોડીદાસભાઈએ પોલીસ કમિશનરને અરજી કરી છે. આ અંગે તપાસ કરવા તથા આવા ભ્રષ્ટ અધિકારીઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે માગ કરી છે.