ગુજરાત – સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તમામ પાર્ટીના મોટા નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે. ત્યારે સૂત્રોની માહિતી પ્રમાણે આવતીકાલે ‘અમિત શાહ ‘ગુજરાત આવી રહ્યા છે. આવતીકાલ સાંજે અમિત શાહ અમદાવાદ આવી રહ્યા છે. ચૂંટણી પ્રચાર માટે કાર્યકરો સાથે વાતચીત કરશે. સાથે તેમનો ઉત્સાહ પણ વધારશે. જો કે, આજે ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી પુરસોત્તમ રૂપાલા અમદાવાદમાં છે.
તો આ તરફ હૈદરાબાદથી બિહાર અને બંગાળ સુધી પોતાની પાર્ટીને લઈ જનારા ઔવેસી પણ ગુજરાત આવી પહોંચ્યા છે. ઔવેસી આજે સુરતમાં છે. તો આવતીકાલે પણ ઔવેસી ગુજરાતમાં છે. ત્યારે એક તરફ અમિત શાહ પણ અમદાવાદમાં હશે. તો ઔવેસી પણ ગુજરાતની મુલાકાતે છે. મહત્વનું છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઔવેસીની પાર્ટી AIMIMના ઉમેદવારો ઉતર્યા છે. સાથે છોટુભાઈ વસાવાની સાથે ગઠબંધન પણ કર્યું છે. ત્યારે સુરત એરપોર્ટ પર ઔવેસીના સ્વાગત માટે છોટુ વસાવાના ભાઈ મહેશ વસાવા પહોંચ્યા હતા. BTP અને MIMએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગઠબંધન સાથે પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખે અમદાવાદમાં આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સીસોદીયાએ રેલી યોજી હતી. તો સુરત ખાતે આપના રાજ્યસભા સાંસદ સંજયસિંહ પણ પોતાના કાર્યકરો વચ્ચે હાજર રહ્યા હતા. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં નેતાઓની ફ્લાઈટ આવતી જતી રહેતી હોય છે. પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી અને ઔવેસીની પાર્ટીએ પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ પરિણામની સંપૂર્ણ જાહેરાત થયા બાદ જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની રાજનીતિમાં કેટલી પાર્ટીનું અસ્તિત્વ અને વજન છે. તે સ્પષ્ટ થશે.