અમદાવાદ શહેરમાં ચૂંટણી પુરી થતાંની સાથે જ પોલીસ હવે ટ્રાફિક નિયમ અને માસ્કના નામે દંડની કાર્યવાહી ફરી શરૂ કરી દીધી છે. આજે સવારે કુબેરનગરથી નોબલનગર સાંઈબાબા મંદિર રોડ પર ટ્રાફિક પોલીસની દંડ અને ખોટી રીતે રોકી હેરાનગતિ મામલે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. પોલીસકર્મીએ વાહનચાલકને રોકી અને માર માર્યો હોવાના આક્ષેપો થયા હતા. ઘટનાને પગલે સ્થાનિક ધારાસભ્ય બલરામ થાવાણી પણ ત્યાં પોહચ્યા હતા. બલરામ થાવાણીએ આક્ષેપ કર્યો છે કે ચાર પોલીસવાળા હતા અને દારૂ પીધેલા હતા. દારૂ પી અને ડયુટી કરે છે તે ખોટું છે. આ મામલે ઝોન 4 ડીસીપી રાજેશ ગઢીયા અને પીઆઇ આર. આર. દેસાઈને ટેલિફોનિક પૂછતાં પછી વાત કરું છું કહી ફોન મૂકી દિધો હતો..
“પોલીસકર્મી દારૂ પીધેલી હાલતમાં હતો અને પોલીસવાળાઓએ તેને ગાડીમાં બેસાડી દીધો હતો”
પોલીસકર્મીઓ ઉશ્કેરાઇને માર મારવા લાગ્યાં
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે નરોડાથી કુબેરનગર ITI ટર્નીગ ,એરપોર્ટ અને કુબેરનગર વાળા રોડ ઉપર પોલીસ લોકોને લાઇસન્સ નાં નામે ખોટી રીતે પજવણી કરે છે. આજે સવારે એક વાહનચાલક જ્યારે ત્યાંથી નીકળ્યો ત્યારે તેને રોકી લાયસન્સ માગતા યુવકે લાયસન્સ આપ્યું હતું. ડીજી લોકરમાં લાયસન્સ બતાવતા તેણે બીજા પોલીસવાળાને બતાવવાનું કહ્યું હતું. તેણે અન્યને બતાવવાનું કેહતા યુવકે કેટલાને લાયસન્સ આપું કહ્યું હતું. જેથી પોલીસકર્મીઓ ઉશ્કેરાઇ ગયા હતા અને માર મારવા લાગ્યા હતા તેવો આક્ષેપ યુવકે કર્યો હતો. જ્યાં સુધી તેને બીજા લોકોએ આવીને ના છોડાવ્યો ત્યાં સુધી માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
‘યુવકને માર મારવાની ઘટનાના કારણે લોકો ભેગા થઈ ગયા હતા”
પોલીસવાળાઓએ યુવકને ગાડીમાં બેસાડી દીધો હતો
સ્થાનિક લોકોનો આક્ષેપ છેકે, કુબેરનગર ITI ટર્નીગ પાસે દરરોજ પોલીસ લોકોને ખોટી રીતે રોકી હેરાન કરે છે. આજે યુવકને માર મારવાની ઘટનાના કારણે લોકો ભેગા થઈ ગયા હતા. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે એક પોલીસકર્મી દારૂ પીધેલી હાલતમાં હતો અને પોલીસવાળાઓએ તેને ગાડીમાં બેસાડી દીધો હતો. મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈ અને વિરોધ કર્યો હતો.
“મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈ અને વિરોધ કર્યો હતો.”
માર માર્યાના આક્ષેપ પર પોલીસ ફરિયાદ નોંધાઈ
ઝોન 4 ડીસીપી રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે. સ્થાનિક લોકોનો આક્ષેપ હતો કે પોલીસકર્મીઓ અને હોમગાર્ડ જવાન દારૂ પીધેલા હતા પરતું પોલીસ સ્ટેશનમાં લાવી તપાસ કરતા પીધેલા ન હોવાનું ધ્યાને આવ્યું છે. માર માર્યો હોવાના આક્ષેપને લઈ પોલીસ ફરિયાદ નોંધી રહ્યા છીએ અને તપાસ કરવામાં આવશે.
ઘટનાને પગલે સ્થાનિક ધારાસભ્ય બલરામ થાવાણી પણ ત્યાં પોહચ્યા હતા.