સરદારનગર પોલીસની ગુનાઇત બેદરકારીને કારણે જુગારધારા કેસના 19 આરોપી ડિસ્ચાર્જ થઇ ગયા છે. સરદારનગર પોલીસે વર્ષ 2020માં જુગારધારાની કલમ 4, 5 મુજબ 19 લોકો સામે કેસ કર્યો હતો. પરંતુ પોલીસે તેમની સામે ત્રણ વર્ષ સુધી ચાર્જશીટ કરી ન હતી. જેથી એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડી.જે. પરમારે સુઓમોટો પાવર વાપરી તમામ આરોપીઓને ડિસ્ચાર્જ કરી દીધા છે. કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, કેસ પેપર જોતા પોલીસે ગુનો બન્યા તારીખથી ત્રણ વર્ષથી વધુ સમયમર્યાદા બાદ ચાર્જશીટ દાખલ કરી છે. ગુજરાત જુગાર અધિનિયમની કલમ 4, 5 હેઠળનો ગુનો પ્રથમ દોષી સાબિત થવા પર એક વર્ષ સુધીની જેલની સજાને પાત્ર છે. ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 468 એવી જોગવાઈ કરે છે કે એક વર્ષ ન લંબાવવાની શરતો માટે સજાપાત્ર અપરાધની નોંધ ત્રણ વર્ષમાં લેવી જરૂરી છે. આ કેસમાં ગુનાની તારીખથી ત્રણ વર્ષથી વધુ સમય વીતી ગયો હોવાથી, ચાર્જશીટ થઇ ત્યારથી જ પ્રતિબંધિત છે. ત્યારે ગુનાની હકીકત અને સંજોગો જોતાં, ચાર્જશીટ ભરવામાં વિલંબને વાજબી ઠેરવવાનું કોઈ કારણ જણાતું નથી અને આરોપીઓને ડિસ્ચાર્જ કરવા ન્યાયોચિત છે.
સરદારનગર પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ નરવતસિંહ શ્રવણભાઇને 12 જાન્યુઆરી, 2020ના રોજ બાતમી મળી હતી કે, સુધીર જે. તમાઈચે પોતાના અંગત ફાયદા માટે શોભનાબહેન રઘુનાથ તમંચેના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી અને ત્યાંથી 199 પત્તાની કેટ, હિસાબના કાગળ, નવી પત્તાની કેટ 18, નોટબુક, પેન અને 22 મોબાઇલ સહિત 2.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી 19 આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપીઓ જામીન પર મુક્ત થઇ ગયા હતા. જેના કારણે પોલીસે આરોપીઓ સામે ચાર્જશીટ કરી ન હતી. આ દરમિયાન મે 2024માં પોલીસે અચાનક જ 19 આરોપીઓ સામે જુગાર ધારાની કલમ 4,5 મુજબ ચાર્જશીટ કરી હતી. જેમાં શોભનાબહેન રઘુનાથ તમંચે અને મહેન્દ્રભાઇને ફરાર આરોપી તરીકે દર્શાવ્યા હતા. આ મુદ્દો કોર્ટને ધ્યાને આવ્યો હતો. જેથી કોર્ટે તમામ આરોપીઓને સીઆરપીસીની કલમ 468 મુજબ સુઓમોટો પાવર વાપરી ડિસ્ચાર્જ કરી દીધા છે.
” આ 19 આરોપીને પોલીસની ભૂલનો લાભ મળ્યો.”
જયેશકુમાર દિનેશભાઇ મકવાણા.
સીદ્દીકભાઇ યુસુફભાઇ શેખ.
અરુણભાઇ રઘુનાથ તમંચે
નિખિલભાઇ રઘુનાથ તમંચે
સંજય લાલભાઇ ગાગડેકર
સુરજકુમાર જયંતીલાલ તમંચે
રાજુભાઇ રામાજી ઠાકોર
દિલપીભાઇ કેશાભાઇ રાઠોડ
મઘુભાઇ ખેમચંદદાસ પંચાલ
સુરજસિંહ લલ્લુસિંહ રાજપૂત
ભાનુભાઇ ડુંગરભાઇ ડાભી
જાકીરહુસેન ખ્વાજાહુસેન સૈયદ
નરેશભાઇ મનુભાઇ પટેલ
આકાશસિંહ રાધેશ્યામ પરિહાર
ખુશાલદાસ ઠાકોરદાસ લાલવાણી.
રતિલાલ ચેલાજી વાળંદ
વિનોદભાઇ માધવજી પરમાર
પંકજકુમાર દિનેશભાઇ ઠાકોર
સુધીર જેલિયાભાઇ તમાઇચે.
” સમયસર ચાર્જશીટ ન કરાય તો ડિફોલ્ટ જામીનનો ચાન્સ “
સામાન્ય રીતે ચાર્જશીટ કરવામાં જે પ્રકારનો ગુનો હોય તે મુજબ થાય છે. જે ગુનામાં સાત વર્ષ કે તેથી ઓછી સજાની જોગવાઇ હોય તેમાં આરોપી જેલમાં હોય તો 60 દિવસની અંદર અંદર તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ કરવાની હોય છે. સાત વર્ષથી વધુ સજા ધરાવતા ગુનામાં આરોપી જેલમાં હોય તો 90 દિવસમાં ચાર્જશીટ કરવાની હોય છે. આ ઉપરાંત આરોપી જામીન પર હોય તો ગુનાના વર્ગીકરણ મુજબ અમૂક સમય મર્યાદામાં ચાર્જશીટ અદાલતમાં પોલીસે કરવાની હોય છે. જો આરોપી જેલમાં હોય અને સમયસર ચાર્જશીટ ન કરવામાં આવે તો આરોપીને ડિફોલ્ટ જામીન મળી જાય.