અમરેલીમાં સર્જાયેલા લેટરકાંડ મામલે કેસની તપાસ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે સ્ટેટ મોનિટરીંગ સેલનાં DIG નિર્લિપ્ત રાયને સોંપી છે. અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે બનાવટી લેટર બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો, જેમાં કૌશિક વેકરીયાને બદનામ કરવા કેટલાક ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા મુદ્દે ફરિયાદ નોંધાઈ હતી.
જેમાં ચાર આરોપીઓમાં પાયલ ગોટીનો પણ સમાવેશ થયો હતો, પાયલ ગોટીએ જેલવાસ પૂર્ણ કર્યા બાદ પાંચ જાન્યુઆરીએ પોલીસ સામે અનેક આક્ષેપો કર્યા હતા. તેવામાં આ મામલે અમરેલી એલસીબીના ત્રણ પોલીસ કર્મીઓને જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે રવિવારે રાત્રે સસ્પેન્ડ કર્યા હતા. ફરજમાં બેદરકારી બદલ હેડ કોન્સ્ટેબલ કિશન આસોદરીયા, પોલીસ કોન્સ્ટેબલ વરજાંગ મૂળિયાસીયા અને પોલીસ કોન્સ્ટેબલ હીના મેવાડાને સસ્પેન્ડ કરાયા હતા. સમગ્ર મામલાને લઈને સુરતમાં ધરણા પણ કરાયા હતા. તેવામાં લેટરકાંડને લઈને પાયલ ગોટી, જેનીબેન ઠુમ્મર અને એડવોકેટ આનંદ યાજ્ઞિકે પોલીસ વડાને રજૂઆત માટેનો સમય માંગ્યો હતો. જે સમય મળતા તેઓ DGP વિકાસ સહાયને મળવા પહોંચ્યા હતા અને આ મામલે સિનિયર મહિલા આઈપીએસને તપાસ આપવામાં આવે તેવી માંગ કરી હતી.
“અમરેલી લેટરકાંડ નો. જાણો શું છે મામલો ?’
થોડા દિવસ પહેલા અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામ વાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ તહયો હતો. આ લેટરને ખોટો ગણાવી અને કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. આ સાથે આ પત્ર મામલે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારાના કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર અને પાટીદાર દીકરી સહિત 4ની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જેને લઈને વિવાદ સર્જાયો હતો. પાટીદાર દીકરીનો વરઘોડો કાઢવા મામલે ખૂબ વિરોધ થયો છે.