આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રે ભાજપની ED દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરવામાં આવી હતી. જેને લઇને આજે સમગ્ર દેશમાં આક્રોશ છે. આજે સૌ કોઈ જાણે છે કે ભાજપ વિપક્ષને દબાવવા માટે અને વિપક્ષના લોકોને ભાજપમાં જોડવા માટે EDનો ઉપયોગ કરે છે. માત્ર અરવિંદ કેજરીવાલજી એવા નેતા છે જે ભાજપ સામે ઝૂકે તેમ નથી. માટે ગઈકાલે તેમની ધરપકડ કરવામાં આવી. ભાજપ ઇચ્છે છે કે અરવિંદ કેજરીવાલજીને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવામાં આવે. અરવિંદ કેજરીવાલજીની ધરપકડના મુદ્દે આજે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ભાજપે પોલીસનો ઉપયોગ કરીને આ વિરોધ પ્રદર્શનને કચડી નાખવાની કોશિશ કરી છે. આજે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પરિસ્થિતિ લોકશાહી માટે અત્યંત ગંભીર છે.
આમ જોવા જઈએ તો દેશમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, પરંતુ હકીકતમાં આજે સમગ્ર દેશમાં અઘોષિત ઈમરજન્સી જેવો માહોલ છે. આજે ભાજપ વિરુદ્ધ બોલનાર લોકોને જેલમાં ધકેલી દેવામાં આવે છે. જો અરવિંદ કેજરીવાલજી ભાજપ સામે ઝુકી ગયા હોત તો ભાજપને તેમની સામે કોઈ જ વાંધો ન પડ્યો હોત. આજે હજારો કરોડનું ફંડ એડીના નામે, ઇન્કમટેક્સની રેડના નામે અને કોન્ટ્રાક્ટના નામે ભાજપે ઉઘરાવ્યું છે, તે સૌ જાણે છે. અને બીજી બાજુ એ ઉપજાવી કાઢેલા કેસમાં કેજરીવાલજીની ધરપકડ કરવામાં આવી છે. આજે સમગ્ર દેશ જાણે છે કે અરવિંદ કેજરીવાલજી નિર્દોષ છે. આજે ભાજપને સૌથી વધુ અરવિંદ કેજરીવાલજીથી ડર લાગે છે માટે તેમણે અરવિંદ કેજરીવાલજીને જેલમાં ધકેલી દીધા છે.