અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનના PI સામે તેમના જ પોલીસ સ્ટેશનના પીએસઆઇએ ત્રાસ આપવાનો આક્ષેપ કર્યો છે. આ આક્ષેપ બાદ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.. નિકોલ પોલીસ સ્ટેશનમાં હાલ કે.ડી. જાટ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. આ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે કામ કરતા જયંતિ શિયાળે તેમની સામે છેક ગૃહ વિભાગ સુધી ફરીયાદ કરી છે.
પીઆઇના ત્રાસથી આપઘાત કરવો પડે તેવી સ્થિતિ .
પીએસઆઇ જયંતિભાઇ શિયાળે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ગૃહ વિભાગને લખેલા પત્રમાં કહ્યું છે કે તેઓ પીઆઇ કે.ડી.જાટના ત્રાસથી કંટાળીને રાજીનામું આપવા માંગે છે. એટલે સુધી કે તેમણે પીઆઇના ત્રાસથી આપઘાત કરવો પડે તેવી સ્થિતિ હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. છેલ્લા ઘણા સમયથી પીઆઇ આ રીતે ત્રાસ આપી રહ્યો હોવાનું પીએસઆઇ જયંતિ શિયાળે પોતાના પત્રમાં જણાવ્યું છે. પીએસઆઇ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ગૃહ મંત્રાલયને લખવામાં આવેલા પત્રથી પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. આ મામલે પીઆઇ કે.ડી. જાટ સામે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
પીઆઇ કે.ડી.જાટ આ અગાઉ પણ વિવાદો.
મહત્વપૂર્ણ છે કે પીઆઇ કે.ડી.જાટ આ અગાઉ પણ વિવાદોમાં આવી ચૂક્યા છે.. માનવામાં આવે છે કે તેઓ સારી એવી રાજકીય વગ ધરાવે છે.. એવું પણ કહેવાય છે કે તેમના ત્રાસથી કેટલાક લોકોએ પોતાની બદલી કરાવી દીધી હતી.. પીઆઇ જાટ સામે પીએસઆઇ જયંતિ શિયાળે લખેલી ચિઠ્ઠી વાયરલ થયા બાદ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તેમણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. હવે જોવાનું રહે છે કે આ આ વખતે તેમની સામે કરવામાં આવેલી ફરીયાદ પર ગૃહ વિભાગ શું પગલા લે છે….