ગ્રેડ પે મામલે પોલીસ કર્મચારીઓ લડી લેવાના મૂડમાં.
ગુજરાત પોલીસના હજારો પોલીસ કર્મચારીઓ ગ્રેડ પેની માંગણી પુરી ન થતા સરકાર સામે આક્રોશ ધરાવે છે. ત્યારે સોશિયલ મિડીયામાં ચાલતા પોલીસ કર્મચારીઓના આંદોલનને ડામવા માટે બે દિવસ પહેલાં લૉ એન્ડ ઓર્ડરના એડીજીપીએ એક પરિપત્ર જાહેર કરીને સોશિયલ મિડીયાને લઇને પોલીસ કર્મચારીઓને આચારસંહિતાની મર્યાદામાં રહેવા માટે આદેશ આપ્યો હતો.
તેવામાં હવે ગ્રેડ પે ના મામલે સોશિયલ મિડીયા સુધી મર્યાદિત રહેલું આંદોલન વિધાનસભા સુધી પહોંચ્યું છે. જેમાં બાપુનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આજે વિધાનસભા પાસે ગ્રેડ પેની માંગણી સાથે ધરણા શરૂ કર્યા હતા. જેના કારણે તંત્ર દોડતુ થઇ ગયું હતુ અને કોન્સ્ટેબલની અટકાયત કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગાંધીનગર વિઘાનસભા ખાતે બાપુનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડયાએ ગ્રેડ પેની માંગણી સાથે ધરણા શરૂ કર્યા હતા. જે વાતની જાણ ગૃહવિભાગને થતા દોડધામ મચી ગઇ હતી અને તાત્કાલિક અસરથી ગાંધીનગર પોલીસને જાણ કરીને લોકલ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓને મોકલીને તેની અટકાયત કરવામાં આવી હતી.
હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડયાએ જણાવ્યું કે તે વર્ષ 2009થી પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે અને પાંચ વર્ષ ફિક્સ પે માં પણ કામ કર્યું હતું. ગુજરાતના તમામ સરકારી વિભાગની સરખામણી કરવામાં આવે તો પોલીસ વિભાગનુ ંરીતસરનું શોષણ કરવામાં આવે છે. પોલીસના કામના કલાકો નક્કી નથી, પગાર ઓછો છે અને શિસ્તનું કારણ આગળ ધરીને તેમની માંગણીને પુરી કરવામાં આવતી નથી.
ત્યારે ગ્રેડ પે ની માંગણી નહી સંતોષવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે વિધાનસભા ખાતે ધરણાના મામલે હવે હાર્દિક પંડયા સામ શિસ્ત ભંગના પગલા ભરવામાં આવશે અને સમગ્ર ઘટના અંગે ગૃહ વિભાગે રિપોર્ટ પણ મંગાવ્યો છે…..!