રાકેશ કુમાર યાદવ દ્વારા.
અમદાવાદ સરદારનગરમાં રહેતો યુવક ઉત્તરાયણ તહેવારમાં પડી જતા પગમાં ઈજા પહોંચી હતી. જેથી શાંતિપ્રકાશ હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોકટર પાસે ગયા ત્યારે તબીબે યુવકને ચેક કર્યા વગર જ ટાંકા લઈ લીધા હતા. જેના કારણે યુવકને દુખાવો વધુ થતો હતો. જેથી યુવક બીજા તબીબ પાસે ગયો ત્યારે યુવકના પગમાં કાંચના ટુકડા રહી ગયા હોવાનું સામે આવ્યું હતુ. જેથી તેનુ ઓપરેશન કરીને કાંચના પાંચ ટુકડા બહાર કાઢવામાં આવ્યા હતા.
બીજી બાજુ ઓર્થોપેડિક તબીબે બેદરકારી દાખવી હોવાનું સામે આવતા યુવકે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં તબીબ સામે ફરિયાદ નોંધાવી છે. સરદારનગરમાં ૧૯ વર્ષિય સુજલ કલ્યાણી પરિવાર સાથે રહે છે.
ગત ૧૫ જાન્યુઆરીએ વાસી ઉત્તરાયણનો તહેવાર હોવાથી સુજલે તેના મિત્રના ઘરે સ્પીકર રાખ્યા હતા. સાંજે સ્પીકર કાઢતી વખતે સુજલનો પગ લપસી જતા તે નીચે પટકાયો હતો અને ડાબા પગની જાંગના ભાગે ઈજા થઈ હતી અને લોહી નિકળવા લાગ્યું હતું. જેથી તેને સારવાર માટે નજીક આવેલ શાંતિપ્રકાશ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું ડ્રેસિંગ કરી તબીબ બીજા દિવસે આવશે તેથી તે દિવસે આવવા જણાવ્યું હતું. બીજા દિવસે સુજલ હોસ્પિટલ પહોંચ્યો હતો. ત્યારે ત્યાં ડો. નરેન્દ્ર આનંદદાણી(એમ.એસ.ઓર્થો) હાજર હતા તેમણે પોતાના કિલનીક ખાતે સૈજપુર આવવા જણાવ્યું હતું. જેથી સુજલ ડો.નરેન્દ્રના ક્લીનક પર ગયો ડોક્ટરે કંઈ તપાસ કર્યા વગર ઘા પર ટાંકા લઈ લીધા હતા અને તેમને ત્યાંથી મોકલી દીધા હતા. થોડા દિવસો પસાર થઈ ગયા છતા સુજલને પગમાં દુખાવો થતો જ હતો જેથી તે ડો.નરેન્દ્ર આનંદાણીને બતાવવા ગયા ત્યારે તેણે માત્ર દવા આપીને રવાના કરી દીધા હતા.
જો કે, દુઃખાવાની ગોળી બંધ કરતા જ સુજલને ફરી દુઃખાવો શરૂ થઈ ગયો હતો. જેથી ૧૯ માર્ચે તેઓ ડો.નરેન્દ્રની ક્લીનીક માં ગયા હતા. જ્યાં તેમણે સોનોગ્રાફી કરવા કહ્યું હતું.
સોનોગ્રાફી કરતા ઘાની અંદર પરુ થઈ ગયું હોવાનું સામે આવ્યું ડતું. રિપોર્ટ બાદ ડો.નરેન્દ્રએ ફરી પરુ સુકાવાની દવા આપી દીધી હતી. પરંતુ તેને કોઈ જ ફર્ક પડ્યો ન હતો. આખરે સુજલ ચીરાયુ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. જ્યાં તપાસ કરતા ખબર પડી હતી કે, ઘાની અંદર કાંચના ટુકડા રહી ગયા છે.
જે ઓપરેસન કરી બહાર કાઢવા પડશે. જ્યાં તેનુ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને કાંચના પાંચ ટુકડા બહાર કાઢવામાં આવ્યા હતા. આ અંગે યુવકે ડોકટર નરેન્દ્ર આનંદાણી ની બેદરકારી હોવાથી તેની સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.