સુપ્રીમ કોર્ટે પોતાના એક આદેશમાં અનુસૂચિત જાતિઓની અંદર સબ-ક્લાસીફિકેશન કરવાની વાત કરી છે. આ આદેશ પછી રાજ્ય સરકારો અનુસૂચિત જાતિઓમાં અનામતના લાભોથી વંચિત રહી ગયેલા સમાજોને અનામતની અંદર પેટા અનામત આપી શકશે.
જોકે, દેશભરમાં આ ચુકાદાને લઇને મીશ્ર પ્રતિસાદ મળી રહ્યા છે. અમુક લોકો માને છે કે આ પ્રકારના ચુકાદાની જરૂર હતી, જેથી અનામતના લાભોથી વંચીત રહી ગયેલા અનુસૂચિત જાતિના સમાજો પણ તેનો ફાયદો લઇ શકે જ્યારે બીજી તરફ અમુક લોકો માને છે કે જ્યાં સુધી સચોટ આંકડાકીય માહિતી અને અનુસૂચિત જાતિઓને મળેલા લાભો સંદર્ભની સચોટ માહિતી ન હોય ત્યાં સુધી આ આદેશનો યોગ્ય અમલ થવો મુશ્કેલ છે.
વિવિધ દલિત મુદ્દાઓ પર દલિત સમાજોનું કોર્ટમાં પ્રતિનિધિત્વ કરી ચૂકેલા ધારાશાસ્ત્રી ગોવિંદ પરમાર બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવે છે, “એ વાતમાં કોઇ બે મત નથી કે દલિત સમાજોની અમુક જ્ઞાતીઓ અનામતમાં લાભ લઇ શકી નથી અને તેને લાભ મળવો જ જોઇએ.”
જોકે, ચુકાદા વિશે વાત કરતા તેઓ કહે છે કે, “વિવિધ રાજ્ય સરકારો આ ચુકાદાનું અર્ધઘટન કેવી રીતે કરે અને સરકાર તેને લઈને કેવું વલણ અપનાવે તેના પર ઘણું નિર્ભર છે. હું માનું છું કે આ ચુકાદા બાદ દલિત સમાજોમાં પેટાજ્ઞાતિવાદ વકરી શકે છે.”
દલિત કર્મશીલ કિરીટ રાઠોડ પણ આવું જ કંઇક માને છે. તેમના પ્રમાણે આ ચુકાદા થકી દલિત સમાજોનું વધારે વર્ગીકરણ થશે અને તેઓ અલગ-અલગ થતાં જશે. તેમના મતે આ ચુકાદા બાદ દલિત સમાજોમાં વૈમનસ્ય વધી શકે છે.
સુપ્રીમ કોર્ટની સાત જજોની ખંડપીઠના એક જજ બી. આર. ગવઇએ કહ્યું હતું કે જેમ ઓબીસી સમાજોમાં નૉન-ક્રિમીલેયરની જોગવાઈ છે, તેવી જ રીતે અનુસૂચીત જાતિઓમાં પણ એને લાગુ કરવી જોઈએ. તેમની આ વાતનું અન્ય બે ન્યાયાધીશે સમર્થન પણ કર્યું હતું.અનુસૂચિત જાતિઓમાં નૉન-ક્રિમીલેયર વિશે વાત કરતા દલિત કર્મશિલ ચંદુ મહેરિયા જણાવે છે, “સૌથી પહેલાં તો એ સમજવાની જરૂર છે કે અનામત એ ગરીબી નાબુદ કરવા માટે ની યોજના નથી, પરંતુ સમાનતા માટે બંધારણે અનુસૂચિત જાતિઓને આપેલો એક માર્ગ છે.”“
સમાનતા થકી પ્રતિનિધિત્વ આવે. અનામતના મુદ્દાને દલિત સમાજોની આવક સાથે સરખાવવમાં આવે છે અને નૉન-ક્રિમીલેયરની વાત કરવામાં આવે છે. બંધારણ પ્રમાણે અનામત અને આવકનો કોઇ સંબંધ નથી, આખી વાત સમાનતા અને પ્રતિનિધિત્વની છે.
એટલે આ ચુકાદાનું અર્ધઘટન વિવિધ રાજ્ય સરકારો કેવી રીતે કરે તેના પર છે અને એના પરથી કહી શકાશે કે ખરેખર આનાથી દલિત સમાજોને ફાયદો થશે કે નુકસાન.”જોકે, તેમણે એ પણ કહ્યું કે આ ચુકાદા થકી ગુજરાતના વાલ્મીકિ જેવા અતિપછાત વર્ગોને લાભ મળશે અને એ બાબત તેઓ આવકારે છે.
સુપ્રીમ કોર્ટે પોતાનો વર્ષ 2004નો ઈ. વી. ચેન્નઇયા વીરુદ્ધ સ્ટેટ ઑફ આન્ધ્ર પ્રદેશના ચુકાદાને ફેરવી દીધો છે.
આ કેસ માલા અને મદીગા અનુસૂચિત જાતિઓમાં અનામતનો ખરેખર લાભ કોને મળવો જોઇએ તે મામલે કોર્ટના દ્વાર ખટખટાવાયા હતા. 2004 ચુકાદામાં સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિઓની અંદર સબ-ક્લાસિફીકેશન ન થઈ શકે.
જોકે હવે આ ચુકાદા ફેરવી દેવામાં આવ્યો છે.
2024ના ચુકાદાનો અર્થ એ થાય કે કોઈ રાજ્યમાં અનુસૂચિત જાતિઓ માટે 15% અનામત નક્કી કરેલ હોય તો એમાં 15% અનામતની અંદર કેટલીક વિશિષ્ટ અનુસૂચિત જાતિઓ માટે અનામત નિર્ધારિત કરી શકાય.
જેમ કે ગુજરાતમાં અનુસૂચિત જાતિઓ માટે 7% અનામત છે, એટલે કે રાજ્ય સરકાર હવે આ 7% અનામતની અંદર અનુસૂચિત જાતિઓની પછાત જાતિઓ માટે પેટાઅનામત લાગુ કરી શકે છે.
1975માં પંજાબ સરકારે અનુસૂચિત જાતિ માટેની કૅટેગરીમાં નોકરી અને શિક્ષણમાં 25% અનામત વાલ્મીકિ અને મઝહબી શીખ જાતિઓ માટે નિર્ધારિત કરી હતી.
જેને હાઈકોર્ટે 2006માં રદ કરી દીધી હતી. એ રદ કરવાના આધાર 2004માં સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો હતો, જેમાં કહેવાયું હતું કે અનુસૂચિત જાતિની સબ-કૅટેગરી બનાવી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું હતું કે રાજ્યો પાસે આવું કરવાનો અધિકાર નથી, કારણ કે અનુસૂચિત જાતિની યાદી રાષ્ટ્રપતિ દ્વારા તૈયાર કરવામાં આવે છે.