લેન્ડગ્રેબિંગ કાયદા બાદ 700 કરોડની જમીનોની 650 અરજી થઈ, 358નો નિકાલ, 32માં FIR નોંધાઈ

લેન્ડગ્રેબિંગ કાયદા બાદ 700 કરોડની જમીનોની 650 અરજી થઈ, 358નો નિકાલ, 32માં FIR નોંધાઈ

Share with:


જાન્યુઆરી, 2021થી લેન્ડ ગ્રેબિંગનો કાયદો અમલી બન્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં જમીનોની મહિને 80 અરજીઓ આવે છે, એટલે કે રોજની સરેરાશ બેથી ત્રણ અરજી થાય છે. અત્યાર સુધીમાં 700 કરોડની બજાર કિંમત ધરાવતી સરકારી જમીનોની કુલ 650 અરજી થઈ છે, જેમાંથી 358નો નિકાલ કરાયો છે, જ્યારે 292 અરજી પેન્ડિંગ છે તથા 25 કિસ્સામાં પુન:તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

લેન્ડ ગ્રેબિંગની ફરિયાદોની તપાસ જિલ્લા કલેક્ટર હેઠળની લેન્ડ ગ્રેબિંગ કમિટીને સોંપવામાં આવી છે. આ તમામ અરજીઓમાંથી 32 કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં સરકારી જમીન સંબંધિત 15 અરજીઓ છે. આ જમીનની બજાર કિંમત 710 કરોડની છે. જ્યારે જંત્રી પ્રમાણે 276 કરોડની કિંમત થાય છે. એ જ રીતે ખાનગી જમીન અંતર્ગત 17 અરજી છે, જેની બજાર કિંમત 1800 કરોડની આસપાસ છે. જંત્રી પ્રમાણે 501 કરોડનો અંદાજ મુકાય છે.

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં અત્યાર સુધીમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ જે 32 પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, તેમાં સરકારી જમીન સંબંધિત 15 અરજી છે. અધિકારીઓએ નામ ન આપવાની શરતે કહ્યું કે, સરકારી જમીનની બજાર કિંમત 700 કરોડ બાદ કરીએ તો 1100 કરોડની બજાર કિંમતવાળી ખાનગી જમીનમાં પોલીસ ફરિયાદ થઈ છે. આ કાયદા હેઠળ આરોપીઓને 14 વર્ષ સુધીની સજાની જોગવાઈ પણ છે.

જિલ્લા કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ અરજી આવ્યા બાદ સંબંધિત પ્રાંતને મોકલાય છે. પ્રાંત સ્થાનિક મામલતદાર, તલાટી અને સર્કલ દ્વારા ફરિયાદ અને સામેવાળાના પુરાવાથી લઈ સ્થળ ચકાસણીની કાર્યવાહી કરી રિપોર્ટ આપે છે, જેના આધારે પ્રાંત પોતાનો રિપોર્ટ તૈયાર કરી કલેક્ટર કચેરીને મોકલે છે. આ પ્રક્રિયામાં એક માસનો સમય લાગે. ત્યાર પછી લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ મુકાતા રિપોર્ટને આધારે કમિટી પોલીસ ફરિયાદ કરવી કે નહીં? તેનો નિર્ણય કરવામાં આવે છે.

વિવાદિત જમીનમાં બિલ્ડરો હવે સીધા ઘર્ષણમાં ઊતરતા નથી
બિલ્ડર ગ્રૂપના એક જૂથે નામ ન આપવાની શરતે કહ્યું કે, બિલ્ડરો વિવાદિત જમીનમાં હવે સીધા ઘર્ષણમાં ઊતરતા નથી. અગાઉ જમીન ખાલી કરવા સ્થળ પર કે અન્ય જાહેર સ્થળે મોટા પાયે ઘર્ષણના બનાવો બનતા હતા. હવે લેન્ડ ગ્રેબિંગના કાયદા બાદ સામાન્ય માણસ તો ઠીક પણ વગદાર બિલ્ડર પણ જમીન ખાલી કરાવવા જિલ્લા કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરાવી રાજકીય દબાણથી પોતાનું કામ કરાવે છે. આ કાર્યવાહીથી બોગસ જમીનમાલિક ગભરાય છે અને સજાના ડરથી ફરિયાદી સાથે સમાધાન કરે છે.

એસઆઈટી હેઠળ 3426 અરજી આવી
અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં જમીનના વિવાદની અરજીઓના નિકાલ માટે બનાવવામાં આવેલી એસઆઈટીમાં 2010થી લઈ 3426 અરજીઓમાંથી 3043 અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે. હાલ 383 અરજીઓ પેન્ડિંગ છે. કોરોનાકાળમાં એસઆઈટીની બેઠક મળી ન હતી. ઓગસ્ટમાં મીટિંગ મળી હતી. એસઆઈટીમાં મહિને એકાદવાર મીટિંગ મળે છે.

ખાનગી જમીનની અરજીઓ વધારે
અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં સરકારી કરતા ખાનગી જમીનની અરજીઓ વધુ આવે છે. સરકારી જમીન સંબંધિત 15 અરજી અને ખાનગી જમીનની 19 અરજીમાં પોલીસ ફરિયાદનો આદેશ કરાયો છે. ગત 31 ઓગસ્ટે મળેલી લેન્ડ ગ્રેબિંગની બેઠકમાં એક સરકારી અને ખાનગી જમીનમાં પોલીસ ફરિયાદની સૂચના અપાઈ હતી..!

Share with:


News