અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરાત કરી છે કે 31 ડિસેમ્બરની જાહેરમાં ઉજવણી કોઈ મંજૂરી આપવામાં આવશે નહીં. આ દિવસે કડક કર્ફ્યૂનો અમલ કરવામાં આવશે. રાત્રે લોકોને કોઈ સ્થળે ભેગા ન થવા માટેની પણ કડક સૂચના પોલીસ કમિશનરે આપી છે.
દિવાળી બાદ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં વધારો થતાં સરકારે અમદાવાદ સહિતનાં શહેરોમાં નાઈટ કરફ્યૂ લાદવામાં આવ્યો છે. તેવામાં હવે 31 ડિસેમ્બરે પણ કરફ્યૂ યથાવત રહેવાનો છે. અને અમદાવાદમાં 31 ડિસેમ્બરની કોઈપણ પાર્ટીનું આયોજન થશે નહીં. અને જો પાર્ટી કરતાં પોલીસનાં હાથે પકડાશો તો કડક કાર્યવાહી કરવામાં આવશે.આટલું જ નહીં, પણ અમદાવાદ શહેરને અડીને આવેલાં ફાર્મ હાઉસમાં પણ સગાં-સંબંધીઓ કે મિત્રો સાથે પાર્ટી કરી શકાશે નહીં. અને આ માટે પોલીસે અત્યારથી જ વોચ ગોઠવીને રાખી છે. અમદાવાદમાં ખાસ ડ્રાઈવ યોજવામાં આવશે. ચર્ચમાં પણ નાતાલની ઉજવણી ન કરવામાં કહેવામાં આવ્યું છે. પોલીસ કોઈપણ પાર્ટીની પરવાનગી આપશે નહીં. પાર્ટી પ્લોટ પર પોલીસ ચેકિંગ હાથ ધરશે.
મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં કોરોના વાયરસને કારણે રાત્રી કર્ફ્યૂ લાગૂ છે. રાત્રે 9 કલાકથી સવારે છ કલાક સુધી લોકોને ઘરની બહાર નિકળવાની મંજૂરી નથી. હવે એક સપ્તાહ બાદ 31 ડિસેમ્બર આવી રહી છે. આ દિવસે દર વર્ષે શહેરમાં અનેક જગ્યાએ પાર્ટીઓના આયોજન થતા હોય છે. પરંતુ આ વખતે કોરોના વાયરસને કારણે કોઈને જાહેરમાં પાર્ટીની મંજૂરી મળશે નહીં. આ સાથે તે દિવસે કર્ફ્યૂનો કડક અમલ કરવામાં આવશે. પોલીસનું પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવશે. પોલીસ તરફથી કોઈ જગ્યાએ પાર્ટીની ઉજવણી કરવાની મંજૂરી આપવામાં આવશે. અમદાવાદના પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી આ જાહેરાત કરી છે.